Tuesday, 17 March 2020

મગફળી

ચોમાસા ઋતુમાં મગફળીની કઈ જાતોની પસંદગી કરી શકાય ?

ચોમાસા ઋતુમાં સમયસર વરસાદ થાય એટલે ૧પ મી જૂનથી ૩૦ સુધીમાં વાવણી લાયક વરસાદ થાય તો વેલડી  મગફળીની જાતો જેવી કે જીએયુ-૧૦, જીજી-૧૧ અને જીજી-૧૩  જાતો વાવી શકાય છે. જો અર્ધ  વેલડી વાવવી હોય તો જીજી-ર૦ જાતનું વાવેતર કરી શકાય. ઉભડી જાતોનું  વાવેતર કરવાનું  હોય તો જીજી-પ અને જીજી-૭  જાતોનું વાવેતર કરી શકાય. વાવણી લાયક  વરસાદ મોડો થાય એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં થાય તો ફકત ઉભડી  મગફળીની જાતોનું જ વાવેતર કરવું.

ચોમાસુ મગફળીમાં ખાતર કયારે અને કેટલું આપવું જોઈએ ?

મગફળીના પાકના મૂળ ઉપર રાઇઝોબીયમ બેકટેરીયાની ગાંઠો થાય છે તેમાં રહેલા બેકટેરીયા હવાનો નાઈટ્રોજન સ્થિર કરી મગફળીના પાકને પૂરો પાડે છે. એકથી વધારે પાક વવાતા હોય ત્યાં મગફળીના પાકને હેકટર દીઠ ૧ર.પ કિલો  નાઈટ્રોજન અન રપ કિલો ફોસ્ફરસ તત્વ આપવાની ભલામણ છે આ માટે હેકટર દીઠ પ૪ કિલો ડીએપી અને ૬ કિલો યુરીયા ખાતરના રૂપે વાવણી પહેલા ચાસમાં ઓરીને એક જ હપ્તામાં  આપવું જો ડીએપી ખાતર ન આપવું હોય તો સીગલ સુપર ફોસ્ફેટ ૧પ૪ કિલો/હેકટર અને ૬ર.પ કિલો એમોનિયમ સલ્ફેટ ખાતર/હેકટર વાવણી પહેલા ઓરીને ચાસમાં એક જ  હપ્તામાં  આપવું.

મગફળીનું ઓરવાણ કરીને વાવેતર કરવા માટે કયો સમય અનુકૂળ ગણાય ?

મગફળીની મોડી પાકતી જાતો એટલે કે વેલડી જાતોનું વાવેતર ઓરવાણુ કરીને વાવવા માટે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાવેતર થાય તે રીતે ઓરવીને વાવવાની ભલામણ છે. ખૂબ જ વહેલી ઓરવીને વાવવાથી છેલ્લો વરસાદ લંબાય અથવા તો વધુપડે તો મગફળીના ઉત્પાદનમાં વિપરીત અસર થાય છે. જો જીજી-ર૦ જાતનું વહેલું વાવેતર કરવાથી ડોડવાના ઉત્પાદનમાં માઠી અસર થાય છે. જીજી-ર૦ જાતનું ઓરવણું કરીને વાવેતર કરવાનું થાય તો જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં વાવેતર કરવાથી સારૂં ઉત્પાદન મેળવી શકાય.

મગફળી ઉપાડયા પછીની કાળજી શું શું રાખવી જરૂરી છે ?

મગફળીને ઉપાડયા પછીથી પાથરા બરાબર સૂકાય જાય અને ડોડવામાં ૮ % થી વધુ ભેજ ન રહે ત્યારે થે્રસરમાં નાખી ડોડવા છુટા પાડવા,ત્યારબાદ ગ્રેડીગ કરી તેમાંથી કચરો, ડાળખા, માટી વગેરે સાફ કરી ધાર દઈ ચોખ્ખા કરવા કંતાનના કોથળામાં યોગ્ય વજનમાં ભરતી કરી સૂકા, સ્વચ્છ સ્ટોર રૂમમાં સંગ્રહ કરવો.

મગફળીના વાવેતર પછી છોડ સુકાય જાય છે તો શું કરવું?

આ રોગ ફૂગથી થાય છે. વાવેતર પહેલા બિયારણને થાયરમ,કેપ્ટાન અથવા મેન્કોઝેબમાથી કોઈપણ એક ફૂગનાશક દવાનો ૩  ગ્રામ દવા એક કિલો બીજ મુજબનું પ્રમાણ રાખી પટ આપવો.
  • વાવેતર બાદ તુરતજ ભારે સમાર મારી ચાસ પેક કરી દેવા.
  • ઓટોમેટીક ઓરણીથી ભલામણ મુજબનો બીજનો દર રાખી વાવેતર કરવું
  • ભૌતિક નુકશાન વગરના બિયારણનો વાવેતરમાં ઉપયોગ કરવો.

મગફળીના પાકમાં નુકશાન કરતી ઉઘઈનાં નિયંત્રણનાં ઉપાયો જણાવશો ?

મગફળીના પાકને  ઉઘઈથી બચાવવા માટે વાવતા પહેલા દિવેલી અથવા લીંબોળી અથવા કરંજનો ખોળ જમીનમાં આપવાથી  ઉઘઈનો ઉપદ્રવ ઘટાડી શકાય છે. જમીન પરના  ઉઘઈનાં રાફડા ખોદી તેમાંથી જાડી ઈયળ જેવી માદા રાણી શોધી તેનો નાશ કરવો. રાણી ન મળે તો રાફડામાં કાણાં પાડી કાર્બન ડાયસલ્ફાઈડ અથવા મિથાઈલ બ્રોમાઈડ જેવા વાયુ રૂપી ઝેર દાખલ કરી કાંણા બંધ કરી દેવા. ઉભા પાકમાં  ઉપદ્રવ જણાય તો પિયત પાણી સાથે કલોરપાયરોફોસ ર૦ % ઈ.સી. ર.પ લીટર દવા હેકટરે આપવી.

મગફળીના ઉભા પાકમાં નીંદામણનાશક કઈ દવાઓ વાપરવી જોઈએ?

મગફળીના ઉભા પાકમાં નીંદામણ નિયંત્રણ માટે કવીઝાલાફોપ દવાનું ૧૦ લી. પાણીમાં ૧પ થી ર૦ મી.લી. દવા નાખી છંટકાવ કરવાથી ઘાસ વર્ગના નીંદામણનું નિયંત્રણ કરી શકાય છે. આ દવા નીંદામણ ર૦ થી રપ દિવસનું થાય અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે છંટકાવ કરવો વઘારે હિતાવહ છે.

ચોમાસા ઋતુમાં પૂરક પિયત કેવા સંજોગોમાં આપવું જરૂરી છે?

મગફળીના પાકની ક્રાંતિ અવસ્થાઓ જેવીકે ફૂલ ઉઘડવા,સૂયા જમીનમાં બેસવા, ડોડવા બંધાવા તથા ડોડવાના વિકાસની અવસ્થાએ જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે. આ અવસ્થાએ વરસાદ ખેંચાય અને ભેજની ઉણપ જણાય તો ફુવારા પધ્ધતિથી અથવા બેઠુ પાણી આપવાથી ઉત્પાદનમાં થતો ઘટાડો નિવારી શકાય છે.

મગફળીમાં પૂર્તિ ખાતર આપી શકાય ?

ના, ભલામણ કરેલ બધો જ નાઈટ્રોજન અને ફોસ્ફરસ વાવણી કરતી વખતે પાયાના ખાતર તરીકે આપવા. મગફળીના છોડના મૂળ ઉપર હવામાંથી નાઈટ્રોજન લઈ પાક તથા જમીનમાં ઉમેરતા રાઇઝોબીયમ બેકટેરીયાની ગાંઠો બનવાથી આ બેકટેરીયા સતત  નાઈટ્રોજન પુરો પાડતા હોવાથી સમગ્ર મગફળીના જીવન પર્યત મળી રહે છે.

મગફળીના પાન ઉપર રાતા પાઉડર જેવું જોવા મળે છે તો તેને અટકાવવાના ઉપાય જણાવશો?

પાનની નીચેની સપાટી પર ટાંચણીના માથા જેવડા નાના ગેરૂ રંગના ઉપસેલા ટપકાં દેખાય છે. આ ટપકાની ચારે તરફની સપાટી પીળી પડે છે. ઉગ્ર સ્વરૂપમાં આ ટપકાં એકબીજામાં ભળી જાય છે અને પાન સુકાઈને ખરી પડે છે. પાક ૪૦ દિવસનો થાય ત્યારે કલોરોથેલોનીલ ૦.ર% અથવા મેન્કોઝેબ ૦.ર % ૧૦ લીટર પાણીમાં ૩પ ગ્રામ પ્રમાણે છાંટવી.૧ર થી ૧પ દિવસના અંતરે ર થી૩ છંટકાવ  કરવા.

મગફળીમાં રાસાયણિક ખાતર કેટલું આપવું?

જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવી. ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તે શકય ન બને તો ચોમાસામાં ૧ર.પ-રપ.૦-૦ના.ફો.પો. કિલો/હે. પ્રમાણે વાવતી વખતે ચાસમાં એકજ હપ્તામાં આપવું.

ઉનાળુ મગફળીની કઈ જાત વાવવી?

ઉનાળુ મગફળીના પાક માટે ઉભડી અને વહેલી પાકતી સુધારેલી જાતોનું વાવેતર કરવું જોઈએ. મધ્યમ કાળી અને ભારે જમીન માટે મગફળી જી.જી.-ર,જી.જી.-૬, જીજેજી-૯, ટી.જી.-ર૬, જેવી નાના દાણા વાળી જાતો પસંદ કરવી. જયારે ફળદ્રુપ, રેતાળ અને ગોરાડુ જમીન માટે ટી.એ.જી.-૩૭ એ. અને ટી.પી.જી.૪૧ જેવી મોટા દાણા વાળી જાતો પસંદ કરવી જોઈએ.

મગફળીના પાકમાં ૩પ થી ૪૦ દિવસ પછી પાન ઉપર ટપકાં જોવા મળતા હોય છે તો શું કરવું?

મગફળીના પાન પર ગોળ કે અનિયમિત આકારના ટપકાં જોવા મળે છે. આ ટપકાં ફરતે પીળી કિનારી બને છે. ઉગ્ર સ્વરૂપમાં આવતા આવા ટપકાં પર્ણ , ઉપપર્ણ, પ્રકાંડ અને સૂયા પર પણ લાગે છે અને પાન સુકાઈને ખરી પડે છે. આના નિયંત્રણ માટે પાક ૩૦ દિવસનો થાય ત્યારે કર્બેંદિજામ દવા ૦.૦રપ % ૧૦ લી. પાણીમાં પ ગ્રામ પ્રમાણે છાંટવી. બીજો છંટકાવ ૧ર થી ૧પ દિવસના અંતરે કરવો અથવા મેન્કોઝેબ ફૂગનાશક દવા ૩૦ થી ૩પ ગ્રામ ૧પ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવા. આવા બે થી ત્રણ છંટકાવ ૧૦ દીવસના અંતરે કરવા.

મગફળીના પાકમાં કેટલી આંતર ખેડની જરૂરીયાત પડે છે ?

મગફળીના પાકમાં નીંદામણ નિયંત્રણ માટે ત્રણથી ચાર આંતર ખેડ કરવી હિતાવહ છે.સૂયા જમીનમાં બેઠા પછીથી આંતર ખેડ કરવાથી ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

વેલડી અર્ધ વેલડી અને ઉભડી જાતો કેટલા અંતરે વાવેતર કરવું તથા બિયારણનો દર કેટલો રાખવો ?


વેલડી મગફળીનું વાવેતર બે હાર વચ્ચે ૭પ સે.મી. તથા બે છોડ વચ્ચે ૧૦ થી ૧પ સે.મી.નું અંતર રાખવું. જયારે અર્ધવેલડી જીજી-ર૦ જાતનું  વાવેતર બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર તેમજ ઉભડી મગફળીનું વાવેતર બે હાર વચ્ચે ૪પ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦ સે.મી.નું અંતર રાખી  વાવેતર કરવું. વેલડી મગફળી, અર્ધવેલડી મગફળી અને  ઉભડી મગફળીના વાવેતર માટે હેકટરે અનેક્રમે ૧૦૦ થી ૧૧૦ કિ.ગ્રા., ૧ર૦ કિ.ગ્રા. અને ૧૦૦ થી ૧ર૦ કિ.ગ્રા. (દાણાની સાઈઝ મુજબ દર) રાખવા. ઓટોમેટીક વાવણીયાથી વાવણી કરવાથી બે છોડ વચ્ચેનું એક સરખુ અંતર જાળવી શકાશે.

મગફળીમાં નીદામણનાશક કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ?

હા, મગફળીના પાકને પ્રથમ ૪પ દિવસ સુધી  નીંદામણમુકત રાખવો ખૂબજ જરૂરી છે. આ માટે બે આંતર ખેડ તથા હાથથી નીંદામણ કરવું જરૂરી છે. જયાં મજૂરોની અછત હોય અને મજૂરીના દર ખૂબજ ઊંચા હોય ત્યાં  નીંદામણ નિયંત્રણ માટે ઓકઝીફલુરાફેન ૦.ર૪ કી.ગ્રા/હે. અથવા પેન્ડીમીથાલીન ૧ કી.ગ્રા/હે. પ૦૦ લી. પાણીમાં ઓગાળી વાવણી બાદ તુરત જ અને બિયારણ સ્ફુરણ થયા પહેલા જમીન ઉપર છંટકાવ કરવો.

મગફળીમાં જોવા મળતી ચુસીયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેવી રીતે કરવું?

મગફળીમાં ચુસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્વવ જોવા મળે તો ડાયમીથીયોટ ૧૦ મી.લી. દવા ૧૦ લી. પાણીમાં ભેળવી ૧ થી ર છંટકાવ કરવા જોઈએ.

મગફળીના પાકમાં ઉપરની ડૂંખ પીળી પડી સુકાતી જાય છે તેના નિયંત્રણ માટે શું કરવું?

આ રોગ વિષાણુથી થાય છે. શરૂઆતમાં અગ્રકલિકા પીળી  જાય છે. પાછળથી કુમળાં પાન અને કલિકાઓ પીળી પડી સુકાવા લાગે, પાન જાડા અને વિકૃત થઈ છોડ સુકાય છે. આ રોગ થ્રીપ્સ નામની જીવાત મારફતે ફેલાતો હોય શોષક પ્રકારની કીટક નાશક દવાનો છંટકાવ કરવો.

લોહતત્વની ઉણપને લીધે મગફળી પીળી કયારે પડે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે થાય છે?

મગફળીનાં શરૂઆતના સમયગાળા દરમ્યાન લોહતત્વની ખામીને લીધે પીળાશ જોવા મળે છે. ટોચનાં વિકસતા કુમળાં પાન પહેલા પીળાં થાય છે ત્યારબાદ આ પીળાશ ધીમે ધીમે નીચેના પાન તરફ વધતી જાય છે. સામાન્ય રીતે નીચેના પાન લીલા દેખાય છે. જો કે આ પીળાશ ખેતરમાં એકસરખી ન હોઈ, છૂટક છૂટક ધાબામાં સવિશેષણ જોવા મળે છે. મગફળીમાં લોહતત્વની ખામીને કારણે આવતી પીળાશ દૂર કરવા માટે ૧૦૦ ગ્રામ હીરાકસી તથા ૧૦ ગ્રામ લીબુનાં ફૂલ (સાઈટ્રીક એસીડ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાકના તબકકાને ધ્યાને રાખી ૧૦ થી ૧ર દિવસના અંતરે ર થી ૩ છંટકાવ કરવાથી પીળાશ કાબૂમાં આવે છે.

વધુ વરસાદથી પાણી ભરાઈ રહેવાથી અને જમીન કઠણ થવાથી પીળી પડી જાય તો તેના નિયંત્રણ માટે શું કરવું?

વાડી પડામાં એક પાક કરતા વધુ પાક લેવાથી જો વધુ  વરસાદ થાય અને  જમીન કઠણ થઈ ગઈ હોય ત્યારે ઘણી વખત મગફળી પીળી પડી જતી હોય છે. આમા હવાની અવર જવર ન થવાથી તથા નાઈટ્રોજન ઉણપથી પીળી પડી જવાની શકયતા હોય તો જ એમોનીયમ સલ્ફેટ કે યુરીયા જેવા નાઈટ્રોજન ખાતર આપી આંતર ખેડ કરવાથી મગફળીની પીળાશ દૂર થઈ જશે. જો લોહતત્વની ખામીને લીધે પીળી પડી જાય તો અગાઉ જણાવેલ મુજબ પગલાં લેવા.

મગફળીના વાવેતર બાદ બીજ ઉગતા નથી, બીજ સડી જાય છે અને ઉગ્યા પછી ઘણા છોડ સુકાય કેમ જતા હશે?


બીજ ઉગી શકતા નથી, બીજ સડી જાય છે અને ઉગવાની શકિત ગુમાવે છે. આવા બીજ પર કાળી ફૂગના બીજાણુઓ જોવા મળે છે. ઉગતા છોડ પર આ ફૂગ લાગે  તો આખો છોડ સુકાઈ જાય છે. આ રોગના નિયંત્રણ માટે વાવેતર કરતાં પહેલા બીજને ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન કે થાયરમ કે મેન્કોઝેબ પ્રતિ કિલો બીજ દીઠ માવજત આપી વાવેતર કરવું.


0 Comments:

Post a Comment