ખેડૂતને ખેતી સંલગ્ન વૈજ્ઞાનિક, નવીનત્તમ કે પછી કોઈપણ જાણકારી માટે પોતાના પડોશી ખેડૂત, સગા-સબંધી-મિત્રો તથા જંતુનાશક દવા, બિયારણ તથા ખાતર (એગ્રો સેન્ટર) ના વિક્રેતા પર આધાર રાખવો પડે છે. આ પરિસ્થિતિમાં ‘એગ્રો સેન્ટર'ની જવાબદારી વધી જાય છે. આ વિક્તાઓ ખેડૂતના વિશ્વાસનું પ્રતિક છે. ખેડૂતને ગમે ત્યારે ખેતી પશુપાલનને લગતી કોઈપણ સમસ્યા આવે છે ત્યારે તિની દરેક સમસ્યાનું નિરાકરણ ‘એગ્રો સેન્ટરખાતે થાય છે, તેથી જ એગ્રો સેન્ટર અને ખેડૂતનો નાતો અતૂટ કહેવાય છે.
ઉપયોગીતા
હાલ ‘એગ્રો સેન્ટર ખેડૂતને નીચે મુજબની રીતે ઉપયોગી થઈ રહ્યા છે.
- ખેડૂતને વ્યાજબી ભાવે જંતુનાશક દવા, સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર તથા ખેત ઉપયોગી વસ્તુઓનું વેચાણ કરે છે અને તેના વપરાશ અંગેનું સચોટ માર્ગદર્શન આપે છે.
- આ ઉપરાંત ખેડૂતની આર્થિક સ્થિતિ અને ગામમાં રહેલ શાખ (આબરૂ)ને ધ્યાનમાં લઈ વિક્રેતા ખેડૂતને જરૂરી ખેત સામગ્રી (જંતુનાશક દવા, રાસાયણિક ખાતર તથા બિયારણ) ઉધાર પણ આપે છે.
આમ ‘એગ્રો સેન્ટર દ્વારા ખેડૂતોને ખેત ઉપયોગી સામગ્રીની સાથે સાથે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આમાં વિક્રેતાને તેના વ્યવસાય ધંધાનો અંગત સ્વાર્થ હોય છે. જ્યારે ખેડૂતોને પોતાના ગામમાં જ ખેત ઉપયોગી અથવા પાક સંરક્ષણ અંગેની માહિતી ત્વરીત મળી રહે છે. આવી પરિસ્થિતિમાં વિક્રેતાઓએ ફક્ત પોતાના જ વ્યવસાયને કેન્દ્ર સ્થાને ન રાખતા ખેડૂતના હિતને પણ ધ્યાનમાં રાખી તેને જરૂરી માર્ગદર્શન સચોટ, ત્વરિત અને નિષ્પક્ષ અને તે પણ આર્થિક રીતે પોષાય તેવું આપવું ખાસ જરૂરી છે. ટૂંકમાં ‘એગ્રો સેન્ટર' વિષે કહીએ તો ખેત સામગ્રી વેચાણ અને સલાહ કેન્દ્ર.
ગામની વસ્તી અથવા તો ખેડૂત ખાતેદારોની સંખ્યાને ધ્યાનમાં લઈ ગામમાં ‘એગ્રો સેન્ટરની સંખ્યા હોય છે. ગામમાં મર્યાદિત સંખ્યામાં ‘એગ્રો સેન્ટર' હોવાથી તેની મોનોપોલીને લીધે ઘણીવાર ખેડૂતને આર્થિક રીતે શોષાવાનો પણ વારો આવતો હોય છે.
હવે જ્યારે એગ્રો ઈનપુટ (ખેત સામગ્રી) ના મલાઈદાર વ્યવસાયમાં મોટા-મોટા ઉદ્યોગગૃહો પ્રાઈવેટ માર્કેટયાર્ડ, કૃષિ મોલ, કૃષિ કન્સલટન્સીની મોનોપોલીને તોડવાની કોશિશ કરેલ છે. ત્યારે આ સ્પર્ધાત્મક સમયમાં ‘એગ્રો સેન્ટર’ પોતાની વેચાણ-સલાહની જૂની માનસિકતા બદલી આધુનિક વૈજ્ઞાનિક ખેતી અંગેની ખેડૂતલક્ષી ખેડૂત ઉપયોગી નીચે મુજબની માહિતી હાથવગી રાખી સજજ થવું પડશે.
- પાક વીમા અને પાક ધિરાણ અંગેની માહિતી
- ઓર્ગેનિક ખેતી અને તેના સર્ટિફિકેશન અંગેની પ્રક્રિયાની માહિતી.
- બીજ ઉત્પાદનના વ્યવસાયમાં વધારે વળતર મળતુ હોય છે તેથી જો સાહસિક ખેડૂત હોય તો તેને બીજ ઉત્પાદનની માહિતી આપવામાં આવે તો તેને બહુ ઉપયોગી થાય છે.
- જુદા જુદા ખેતીપાકોની જુદી જુદી પ્રાઈવેટ કંપની નિગમની સુધારેલી અથવા તો હાઈબ્રિડ જાતો અંગેની સચોટ માહિતી.
- ખેતીવાડી ખાતુ, બાગાયતી ખાતુ તથા સરકારશ્રીના વિવિધ ખાતાઓની ખેડૂત ઉપયોગી વિવિધ યોજનાઓની માહિતી તથા તેમાં મળતી સબસિડી અંગેની વિસ્તૃત માહિતી.
- કોલ્ડ સ્ટોરેજ તથા મૂલ્ય વર્ધન અંગેની માહિતી.
- ગામની જમીનમાં રહેલ મુખ્ય તત્ત્વો (નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ)નું પ્રમાણ તથા તેને અનુરૂપ કયા કયા પાકો સારી રીતે થઈ શકે તેની જાણકારી.
- આ ઉપરાંત ડ્રિપ-પ્રિકલર પિયત કંપનીઓ વિષેની માહિતી તથા કઈ કંપની સારી સેવા આપે છે તેની માહિતી રાખવી જરૂરી છે.
- હાલનો ખેડૂત અભણ હશે પરંતુ તેનામાં જીજ્ઞાસા ઘણી છે. રોકડીયા પાકો વાવવાને લીધે તેની આર્થિક તાકાત પણ વધી છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતને કોન્ટ્રાક ફાર્મિંગનું મહત્ત્વ સમજાવી તે અંગેની માહિતી આપવામાં આવે તો ખેડૂત સમુદાયને ઘણો બધો ફાયદો થઈ શકે છે.
- ખેડૂતો સાહસિક થયા છે. ગ્રીનહાઉસમાં ખેતી કરતા થયા છે. નવા-નવા ઔષધીય પાક, ફૂલ પાક, બાગાયતી પાક અને ખેતી પાકોનું વાવેતર કરતા થયા છે અથવા તો કરવાની ઈચ્છા કરતા થયા છે. આવી પરિસ્થિતિમાં નવા પાક કરવા કે નહિ ? તેમાં રહેલ જોખમ તથા પાક ઉત્પાદનની વેચાણ વ્યવસ્થા વિષેની માહિતી ‘એગ્રો સેન્ટર પાસે હોય તો ખેડૂતો સાચા અર્થમાં હમદર્દ બની શકે .
- ખારેક, દાડમ, કેળા વગેરે ફળપાકમાં ટિયૂકલ્ચરના રોપાનું વાવેતર કરવામાં આવે તો સાદા રોપની સરખામણીએ સારી ગુણવત્તાના અને વધારે ફળ મળે છે. આ માહિતી ખેડૂતને આપવામાં આવે તો ખેડૂતને ઘણો બધો ફાયદો થાય છે.
- પશુપાલનના વ્યવસાયમાં કૃત્રિમ બીજદાનનું મહત્ત્વ, ચાફ કટરનું મહત્ત્વ આ બધી માહિતી હોય તો પશુપાલકને ઘણો બધો આર્થિક ફાયદો થાય છે.
આ પ્રમાણે ખેતી, પશુપાલન સંલગ્ન આધુનિક વૈજ્ઞાનિક માહિતીનો ભંડાર જો તેની પાસે હશે તો ખેડૂત તેની પાસે દોડતો દોડતો આવશે માહિતીની પ્રાપ્તિ કઈ રીતે કરશો ?
- દરેક માહિતી અપડેટ કરવી ખાસ જરૂરી છે. ઈન્ટરનેટના આ ઝડપી જમાનામાં જુદી જુદી વેબસાઈટ પર આ બધી કૃષિ સંલગ્ન માહિતી ઉપલબ્ધ છે તો તેનો ઉપયોગ કરવો.
- પાક ધિરાણ અંગેની માહિતી માટે સમયાંતરે બેંકની મુલાકાત લેવાથી તે અંગેની માહિતી મળી શકે છે.
- સરકારશ્રીની જીલ્લાકક્ષાની કચેરીની મુલાકાત લઈ તેમની વિવિધ યોજનાની માહિતી તથા ગ્રામ્ય તાલુકા કક્ષાના સક્ષમ અધિકારીના મોબાઈલ નંબર મેળવી યોજનાઓ વિશેની સમજણ લઈ શકાય.
- રાજયની કૃષિ યુનિવર્સિટીઓના વિવિધ સંશોધન કેન્દ્રો તથા વિસ્તરણ શિક્ષણ કેન્દ્રો ખાતેથી પણ સંશોધન અંગેની માહિતી મળી શકે છે.
- કૃષિ સંલગ્ન સામયિકો જેવા કે કૃષિગોવિદ્યા સમૃદ્ધ ખેતી, એક પ્રયાસ, કૃષિજીવન, કૃષિ વિજ્ઞાન, વાવેતર વગેરેનું નિયમિત વાંચન કરવાથી પણ વિશેષ જાણવાનું મળે છે અને કૃષિ સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય છે.
આ રીતે ‘એગ્રો સેન્ટર પોતાના ગ્રાહક ખેડૂતના પ્રશ્નો પ્રત્યે સતત જાગૃત રહી તેની સમસ્યાને પોતાની સમસ્યાના સમજી તેના નિરાકરણ માટે પ્રયત્ન કરશે તેટલી ખેડૂત સાથેની તેની આત્મિયતા વધશે અને ખેડૂત તેનો અને તેનો જ આજીવન ગ્રાહક બની રહેશે. (વિશાળ ખેડૂત સમુદાયને ખેતીની માહિતી સચોટ મળી રહે તે માટે ‘એગ્રો સેન્ટરના માલિક ફક્ત કૃષિ સ્નાતક અથવા તો કૃષિ ડિપ્લોમાં થયેલ હોય તે હિતાવહ છે.
ખેડૂતની જ્ઞાન પ્રત્યેની ભૂખ ઉઘડી છે. ખેતીના નવા-નવા આયામો, નવા-નવા પાકો સરકારશ્રીની વિવિધ યોજનાઓ આ બધા વિષે માહિતી જે વિક્રેતા રાખશે, ખેડૂત તેને વ્હાલો થશે અને તેની પાસે જરૂરી આવશે.
આ રીતે ગ્રામ્ય સ્તરે તાલુકા સ્તરે રહેલ વિક્રેતાઓ ફક્ત કૃષિ સામગ્રીના વેચાણ સાથે સંકળાયેલ ન રહેતા ખેડૂતોના સાચા સલાહકાર તરીકે કામ કરશે તો ખેડૂતની આવક વધશે અને ભારતનો ખેડૂત સાચા અર્થમાં સમૃદ્ધ થશે.
0 Comments:
Post a Comment