Wednesday, 18 March 2020

કપાસમાં આવતા મીલીબગ અને તેનું નિયંત્રણ

કપાસના પાકમાં મિલીબગ (ચીકટો)નો ઉપદ્રવ ખૂબ જ જોવા મળે છે. છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્રના અમૂક અમુક વિસ્તારમાં પણ તેનો વ્યાપક ઉપદ્રવ જોવા મળે છે. કપાસના પાકમાં મીલીબગની ત્રણ પ્રજાતિઓ નોંધાયેલ છે, જેવી કે મેકેનોલીકોકસ હીરસુતસ, ફેરેસીયા વિરગાટા અને ફેનાકોકસ સોલેનોસીસ. તે પૈકી સૌરાષ્ટ્ર વિસ્તારમાં ફેનાકોકસ જાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આ જીવાતના શરીર પર સફેદ મીણયુક્ત આવરણ હોવાથી ખેડૂતો તેને ફૂગનો રોગ લાગેલ છે તેમ કહે છે.

મીલીબગની ઓળખ

આ જીવાતને હિબીસ્કસ મીલીબગ (ચીકટો) તરીકે ઓળખવામાં આવે છે. તે ચૂસિયા પ્રકારની જીવાત છે. તેની માદા પાંખ વગરની, નાના કદની, ૩ થી ૪ મી.મી. લાંબી, શરીરે રાખોડી રંગની, પોચા શરીરવાળી, લંબગોળ આકારની અને થોડી ચપટી હોય છે. તેનું આખું શરીર સફેદ મીણયુક્ત પદાર્થથી ઢંકાયેલું હોય છે. જ્યારે નર માદા કરતા કદમાં નાના, રાતા બદામી અને એક જોડી પાંખ હોય છે. નરના શરીરના પાછળના ભાગે બે પૂછડી જેવા ભાગ હોય છે. નરની સંખ્યા ખૂબ જ જૂજ હોય છે.

નુકસાનનો પ્રકાર :

કપાસ ઉગતાની સાથે જ આ જીવાતનો ઉપદ્રવ શરૂ થઈ જાય છે. ત્યારબાદ તેનો ઉપદ્રવ વધતો જાય છે. સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં વરસાદ બંધ થયા બાદ તેનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. આગલી ઋતુમાં નુકસાન પામેલ કપાસના ખેતરમાં જમીનમાં પડેલ માદાના શરીર સાથે ચોટેલ ઈંડાની કોથળીઓ કે આજુબાજુના ખેતરના યજમાન પાકોમાંથી નીકળતા બચ્ચાંઓ થડ મારફતે છોડ પર ચડી છોડની નવી કુપણો કે પાનમાંથી રસ ચૂસી નુકસાન કરે છે. તે દરમ્યાન ઝેરી લાળ છોડે છે. પરિણામે છોડના ટોચના ભાગનો વિકાસ અટકી જતાં છોડ ઠીંગણો તથા ટોચનો ભાગ મોકળાઈ જાય છે. ઉપદ્રવિત છોડમાં જીંડવા બેડોળ અને નાના કદના હોય છે. તેમજ પૂરેપૂરા ખૂલતાં નથી. આ જીવાત રસ ચૂસતી વખતે તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ છોડે છે, જે છોડના અન્ય ભાગ ઉપર પડતા તેના પર કાળી ફૂગ ઉગી નીકળે છે પરિણામે પ્રકાશ સંશ્લેક્ષણની ક્રિયા અવરોધાય છે.જીવાતના વધુ પડતા ઉપદ્રવને લીધે છોડ સૂકાય જાય છે. મીલીબગ ઉપદ્રવિત કપાસના ખેતર દૂરથી જોતાં છોડ પર સફેદ તાંતણાની હાજરીને લીધે સહેલાઈથી ઓળખી શકાય છે. આમ આ જીવાતના નુકસાનથી કપાસના રૂ ની ગુણવત્તા અને ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય છે.

જીવાતનાં યજમાન પાકો :

આ એક બહુભોજી જીવાત છે જે માલસી, સોલેનસી, લેગ્યુમીનેસી તેમજ અન્ય ૭૬ જેટલાં કૂળની આશરે ૨૦૦ જેટલી વનસ્પતિ ઉપર નોંધાયેલ છે. કપાસ ઉપરાંત ભીંડા, રીંગણી, ટામેટી, તુવેર, તલ, તમાકુ જેવા ખેતી પાકો તથા બાગાયતી ફળો જેવા કે સીતાફળ, કેરી, જામફળ, દાડમ, ચીકુ, વગેરેમાં ઉપદ્રવ જોવા મળે છે. આ ઉપરાંત સુશોભન છોડ જેવા કે જાસુદ, ક્રોટોન, ટગર વગેરેમાં જોવા મળે છે. નીંદણો જેવા કે કોગ્રેસ ગ્રાસ, કાંસકી (ખપાટ), ગાડરડી, દુધેલી, એકદડી, ભોયરીંગણી, ધતુરો, સાટોડી, જંગલી ભીંડો તેમજ અન્ય ખાસ કરીને રસ્તો કે સેઢા પાળા પર તેમજ ખૂલ્લી જગ્યામાં ઉગી નીકળતા નીંદણોમાં જોવા મળે છે.

જીવાતનું જીવનચક્ર અને ફેલાવો:

આ જીવાત ઈંડુ અને બચ્ચાં એમ બે અવસ્થામાં પસાર થઈ પુષ્ય બને છે. જ્યારે નર ઈંડ, બચુ અને કોશેટો એમ ત્રણ અવસ્થામાંથી પસાર થઈને પુષ્ટ બને છે. પુષ્ઠ નર પાકને નુકસાન કરતાં નથી, પરંતુ એક જોડી પાંખ હોવાથી ઉડી શકે છે. માદા તેના શરીરના પાછળના નીચેના ભાગે રેશમી અસ્તરની કોથળી/પાઉચ બનાવી તેમાં ૧૫૦-૬00 ની સંખ્યામાં ઈંડા મૂક્યા બાદ માદા થોડા દિવસમાં મરી થાય છે. ઈંડા સેવાયા પહેલાં ગુલાબી રંગના થઈ જાય છે. ઈંડામાંથી નીકળતા બચ્ચાં શરૂઆતમાં પીળાશ પડતા ત્યારબાદ ઝાંખા સફેદ થઈ જાય છે. પુર્ણ માદા છોડ ઉપર જ ઈંડા મૂકવાનું શરૂ કરે છે. આખું જીવનચક્ર ૨૫ થી ૩૦ દિવસમાં પુરુ થાય છે. વર્ષ દરમ્યાન ૧૫ જેટલી પેઢીઓ જોવા મળે છે.
પાક પૂરો થયો માદા જમીન કે નુકશાનવાળા છોડની છાલની તિરાડો તેમજ જમીન પર પડેલા પાંડદાં કે જીંડવામાં રૂ જેવી કોથળી બનાવી ઈંડા મૂકે છે જે બીજી ઋતુ સુધી સુષુપ્ત અવસ્થામાં પડયાં રહે છે. આ જીવાતનો ફેલાવો શેઢા પાળાના યજમાન પાકો, પવન, પાણી કીટકો, માણસ તેમજ ખેતી ઓજારો દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય છે.

નિયંત્રણ માટેના પગલાઓ :

આ જીવાતની ખાસ પ્રકારની જીવનશૈલીને લીધે અન્ય જીવાત કરતાં તેનું સહેલાઈથી નિયંત્રણ કરવું મુશ્કેલ છે તેના કારણોસર (૧) ઘણા બધા યજમાન પાકો પર નભે છે (૨) સહેલાઈથી ફેલાવો થાય છે. (૩) શરીર ઉપર મીણનું આવરણ ધરાવે છે. (૪) સમૂહમાં રહેવાની અને કોથળીમાં ઈંડા મૂકવાની લાક્ષણિકતા ધરાવે છે. (૫) છાલની તીરાડો કે તે ખાંચાઓમાં ભરાઈ રહેવાની ટેવ અને ઠંડી ઋતુમાં ઈંડા સપુત અવસ્થામાં પસાર કરવાની ખાસિયત અને (૬) છોડ ઉપર ચડવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આ કારણોને લીધે એકલી જંતુનાશકનો છંટકાવથી તેનું નિયંત્રણ કરવું ઘણું અઘરું છે.
આ જીવાતની બચ્ચાં અવસ્થા વખતે જો સમયસર નિયંત્રણના પગલા લેવામાં આવે તો તેનું નિયંત્રણ કરવું ખૂબ જ સહેલું પડે છે. વધુ પડતી માવજતને કારણે કપાસની વધુ પડતી વાનસ્પતિક વૃદ્ધિ આ કીટકને જંતુનાશક સામે રક્ષણ પુરું પાડે છે.

સંકલિત નિયંત્રણ માટેનાં પગલાં:

(૧) આગલા વર્ષે જો કપાસના ખેતરમાં મીલીબગના ઉપદ્રવ જોવા મળેલ હોય તો વાવણી પહેલાં ખેતરમાં જમીન ઉપર મિથાઈલ ક્વિનાલફોસ ૧.૫% ભૂકી ભભરાવવી જેથી જમીનમાંથી નીકળતાં બચ્ચાં દવાના સંસર્ગમાં આવતા નાશ થાય.
(૨) શેઢા પાળા, ખેતર ફરતે વાડ, ખરાબાની કે પડતર જમીન વગેરે જગ્યાએ ઉગેલ કાસકી, ગાડર તેમજ ખીલા મૂળવાળા નીંદામણ ઉપાડીને નાશ કરવો તથા મીલીબગ ઉપદ્રવતિ નીંદામણનો બાળીને નાશ કરવો. સેઢા પાળા સાફ કર્યા ક્વિનાલફોસ ૧.૫% ભૂકી ભભરાવવી.
(૩) કપાસના ખેતરમાં શરૂઆતમાં એકલ દોકલ છોડ ઉપર ઉપદ્રવ જણાય તો આવા છોડના ઉપદ્રવિત પાન અથવા ભાગ જીવાત સાથે તોડીને બાળી નાખવાં. વધુ ઉપદ્રવિત છોડ મૂળ સાથે ઉપાડી કીટક સહિત બાળીને નાશક કરવો અને જે જગ્યાએથી છોડ ઉપાડયા હોય તે જગ્યાએ જંતુનાશક દવાની ભૂકી ભભરાવવી જેથી જમીનમાં રહેલા ઈંડા બચ્ચાંનો નાશ થાય.
(૪) જ્યારે ખેતરમાં મીલીબગનો ઉપદ્રવ જણાય ત્યારે ઉપદ્રવિત છોડ તેમજ તેની આજુબાજુ જમીન પર ક્વિનાલફોસ ૧.૫% ભૂકી હેકટરે ૨૦થી ૨૫ કિલો પ્રમાણે છંટકાવ કરવો જેથી છોડ ઉપર ચડતા બચ્ચાંઓ દવાના સંસર્ગમાં આવતાં તેનો નાશ થાય.
(૫) આ જીવાતનો છોડ ઉપર ઉપદ્રવ જોવા મળે ત્યારે તેના તાત્કાલિક નિયંત્રણ માટે ૧૦ લિટર   પાણીમાં ટ્રાયઝોફોસ ૪૦% ઈસી ૨૦ મિ.લિ., પ્રોફેનોફોસ ૫૦% ઈસી ૨૦ મિ.લિ. ક્વિનાલફોસ  ૨૫ % ઈસી ૨૦ મિ.લિ., થાયોડીકાર્બ ૭૫ % ડબલ્યુપી ૧૫ ગ્રામ, મોનોક્રોટોફોસ ૩૬%  એસએલ ૧૨ મિ.લિ., મેલાથીઓન ૫૦% ઈસી ૧૦મિ.લિ., ઈમીડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુજી૦.૫૦ ગ્રામ, એસીટામાપ્રીડ ૨૦% એસપી ૨ ગ્રામ, કલોરપાયરીફોસ ૨૦ % ઈસી ૨૫ મિ.લિ. અને એસીફેટ ૭૫% એસપી ૨૦ ગ્રામ પૈકી કોઈ એક કીટનાશકનો છંટકાવ કરવો. આ જીવાતનાં  શરીર ઉપર મીણ જેવું આવરણ હોવાથી દવાના છંટકાવ વખતે પ્રવાહી મિશ્રણમાં કપડા ધોવાનો કોઈપણ ડીટરજન્ટ પાઉડર ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પ્રવાહી મિશ્રણ પ્રમાણે  ઉમેરવાથી સારું પરિણામ મળે છે. કપાસના છોડની પાનની સાથે સાથે ડાળી, થડ, થડની   આજુબાજુ જમીન ઉપર દવાનો છંટકાવ કરવો.
(૬) બજારમાં મળતી ફૂગજન્ય જૈવિક જંતુનાશક વર્ટિસીલીયમ લેકાની અથવા બ્યુરીયા બાસીયાના નામની ફૂગનો પાઉડર ૧૦ લિટર પાણીમાં ૪૦ ગ્રામ પ્રમાણે ભેળવી છંટકાવ કરવાથી અસરકારક પરિણામ મળે છે.
(૭) કપાસના પાકમાં નિયમિત આંતરખેડ તથા નીંદામણ સમયસર કરવું. જયારે વરસાદ ખેંચાય તેવા સમયે તેમજ ચોમાસાની ઋતુ પુરી થયે આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. તેથી પિયત નિયમિત આપવું તથા પાક માટે જરૂરી પોષકતત્વો ભલામણ મુજબ આપવાં.

(૮) પાકની છેલ્લી વીણી પુરી થયા પછી પાકને લાંબા સમય ખેતરમાં રહેવા દેવો નહિ. ઉપદ્રવિત કપાસની કરાંઠીઓનો તાત્કાલિક નાશ કરવો


0 Comments:

Post a Comment