ડાંગરની જાત વિષે જણાવો ?
રોપાણ ડાંગરમાં વહેલી પાકની જાતો જીઆર-૩, જીઆર-૪, જીઆર-૭, તેમજ મધ્યમ મોડી પાકતી જાતો જેવી કે ગુર્જરી જીઆર-૧૨, તથા મોડી પાકતી જાતો જેવી કે જીઆર-૧૦૪, જીઆર-૧, ઓરાણ ડાંગરમાં જીઆર-૫, જીઆર-૮, અને જીઆર-૯ અને ક્ષારગ્રસ્ત જમીન માટે એનએયુઆર-૧ અને જીએનઆર-૨ જાતોની ભલામણ થયેલી છે.ડાંગર ગુર્જરીનું બિયારણ ક્યાથી મળે ?
ડાંગર ગુર્જરી જાતનું બિયારણ મેળવવા માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો. અથવા સંશોધન વૈજ્ઞાનિકશ્રી, વિભાગીય સંશોધન કેન્દ્ર, આકૃયુ, આણંદ (ફોન: ૦૨૬૯૨-૨૦૬૩૨૯) ખાતે સંપર્ક કરવો.
યુનિવર્સિટીની ડાંગરની જાત કઇ?
જીઆર-૧૧, જીઆર-૧૨, જીઆર-૧૩ ગુર્જરી વગેરે જાતો યુનિવર્સિટીની છે. જેની વધુ માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
જીએઆર ૧૩ ના દાણા વિષે જણાવો.
જી આર-૧૩ એ મધ્યમ મોડી પાકની ડાંગરની જાત છે. સંશોધન વૈજ્ઞાનિકશ્રી (ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા, (ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
ઓરણની ડાંગરની સ્પેશ્યલ જાત કઈ છે ?
ઓરાણ ડાંગર માટે જીઆર-૫, જીઆર-૮, જીઆર-૯, અશોકા, ૨૦૦ અને એ.ડી.આર-૧ જેવી જાતો ભલામણ થયેલ છે.
ડાંગરના ધરૂઉછેર વિષે જણાવો.
ડાંગરના ધરૂઉછેર વિષે જણાવો. ડાંગરના ધરૂઉછેરની માહિતી અત્રે આપેલ છે. (૧) એક હેક્ટરની ફેરરોપણી કરવી હોય તો ૧૦ ગુંઠા વિસ્તારમાં ધરૂવાડીયું બનાવવું. (૨) ભારે કાળી જમીન ઉપર ગાદી ક્યારા અને ગોરાળુ કે મધ્યમ કાળી જમીન ઉપર સપાટ ક્યારા બનાવવા. (૩) ૧૦ ગુંઠા જમીનમાં સેન્દ્રિય ખાતરો માટે ૨૦ ગાડા સારૂ કોહવાયેલું છાંણિયું ખાતર અને ૧૦૦ કિલો દિવેલી ખોળ જ્યારે રાસાયણિક ખાતર માટે ૧૦ ; ૮ ; ૦ ની ભલામણ છે. આ માટે ૧૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૮ કિ.ગ્રા. ફોસ્ફરસ જમીન તૈયાર કરતી વખતે ખેડમાં આપવું. (૪) ધરૂ નાખવાનો ઉત્તમ સમય ૧લી જૂન થી ૧૫મી જૂન સુધીનો છે. (૫) ૧ હેક્ટર દીઠ પાતળા દાણાવાળી જાતો માટે ૨૫ કિલો અને જાડા દાણાવાળી જાતો માટે ૩૦ કિલો બિયારણ રાખવું. (૬) સુકારાના રોગ સામે રક્ષણ માટે ૧ હેક્ટરની રોપણી માટે જોઈતા બીજના જથ્થાને ૨૪ લિ. પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન + ૧૨ ગ્રામ પારાયુક્ત દવા(એમિસાન)ના દ્રાવણમાં બોળીને બીજને છાંયડે સુકવી કોરા કરવા. અને પછી વાવણી માટે ઉપયોગ કરવો. (૭) જમીનજન્ય અને બીજજન્ય રોગોથી રક્ષણ મેળવવા માટે થાયરમ, એમિસાન, કેપ્ટાન જેવી પારાયુક્ત ફૂગનાશક દવાઓ ૧ કિ.ગ્રા. બીજ દીઠ ૩ ગ્રામ દવા લઈ પટ આપવો. (૮) ડાંગરને બીજને જૈવિક ખાતર એઝેટોબેક્ટર/એઝોસ્પીરીલીમ અને ફોસ્ફરસ સોલ્યુબિલાઈઝીંગ બેક્ટેરીયા(પીએસબી) કલ્ચરનો પટ આપવો. (૯) ધરૂ પીળું પડે (કોલાટ) ત્યારે ૧૦ લિટર પાણીમાં ૧૫૦ ગ્રામ ફેરસ સલ્ફેટને ૮૦ ગ્રામ ફૂટ્યા વગરના ચૂના સાથે દ્રાવણ બનાવી છંટકાવ કરવો તથા ક્યારા દીઠ ૧૦૦ ગ્રામ યુરિયા આપવું. (૧૦) ૨૫ થી ૩૦ દિવસે ફેરરોપણી માટે ધરૂ ઉપાડવું.
ડાંગરના ધરૂવાડીયામાં ખાતરનું પ્રમાણ કેટલું હોવુ જોઈએ ?
ડાંગરના એક હેક્ટર વિસ્તારમાં ફેરરોપણી માટે ૧૦ ગુંઠામાં ધરૂવાડીયું ઉછેરવું જોઈએ. ધરૂવાડીયા માટે ૧૦ મીટર લાંબા, ૧ મીટર પહોળા, અને ૧૦-૧૫ સે.મી. ઉંચાઈના ૮૦ થી ૧૦૦ ક્યારા થાય. ક્યારાદીઠ પાયાના ખાતર તરીકે સારૂ કોહવાયેલુ ૨૦ કિલો(૧ ટોપલો) છાણિયું ખાતર, ૫૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, ૫૦૦ ગ્રામ, સિંગલ સુપર સલ્ફેટ અને એક કિલો દિવેલીનો ખોળ વાવણી કરતાં પહેલાં જમીનમાં ભેળવી દેવો જોઈએ. ધરૂ ૧૨ દિવસનું થાય ત્યારે ક્યારાદીઠ ૨૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું.
ડાંગરના ધરુવાડિયામાં નીંદણ નિયંત્રણ કઈ રીતે કરવું. ?
ડાંગરના ધરૂવાડીયામાં ડાંગર પૂંખ્યા પછી ૧૫ અને ૨૫ દિવસે એમ બે વખત હાથ નીંદામણ કરવાની રહે છે. મજૂરોની અછત હોય ત્યારે પેન્ડીમીથાલીન હેક્ટરદીઠ ૧ કિલો પ્રમાણે અથવા ઓક્ઝાડાયાઝોન હેક્ટરદીઠ ૦.૫૦કિ.ગ્રા. પ્રમાણે છંટકાવ કરો અથવા રેતી સાથે મિશ્ર કરી ધરૂવાડીયામાં વાવણી પછી ૬ દિવસમાં આપવું.
ડાંગરનુ ધરુ પીળુ પડી જાય છે ?
ડાંગરનું ધરૂ પીળું પડવાનું કારણ લોહ તત્વની ખામી છે જે માટે જમીનમાં હેક્ટરદીઠ ૨૫ કિ.ગ્રા. ફેરસ સલ્ફેટ આપવું અથવા ૦.૫ ટકા ફેરસ સલ્ફેટ+૦.૨૫ ટકા ચૂનાનું મિશ્ર દ્વાવણ છાંટવું.
ઓરાણ ડાંગરમાં વાવેતર કેટલા અંતરે કરવુ જોઈએ ?
ઓરાણ ડાંગરમાં ૩૦ સે.મી. ના અંતરે વાવેતર કરવું જોઈએ.
ઓરાણ ડાંગરમાં નીંદણનાશક દવા કઈ તેમજ કેટલા પ્રમાણમાં આપવી જોઈએ. ?
ઓરાણ ડાંગરમાં નીંદણ વ્યવસ્થા માટે બ્યુટાક્લોર હેક્ટરદીઠ ૧.૫ કિ.ગ્રા. પ્રી- ઈમરજન્સ (પાકની વાવણી બાદ તથા નીંદણના સ્ફૂરલ પહેલાં) છાંટવાની તેમજ પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદણ કરવાની સલાહ છે.
એસ.આર.આઈ. ડાંગરની ખેતી પધ્ધતિની માહિતી આપો
શ્રી' પધ્ધતિમાં ડાંગરના ધરૂવાડીયાનો વિસ્તાર ૧૦૦ ચો.મી.(૧ ગુંઠો) એક હેક્ટરના વિસ્તારની રોપણી માટે કરવો. તે માટે ગાદી ક્યારા(૧:૧ છાણિયું ખાતર : માટી) બનાવવા. એક હેક્ટર ડાંગરની રોપણી માટે ૫ થી ૬ કિલો ડાંગરના બિયારણની જરુર પડે છે. ૮ થી ૧૦ દિવસની ઉંમરનું ધરૂં માટી સાથે ઉપાડી ૨૫ સે.મી. ×૨૫ સે.મી. ના પહોળા અંતરે ફેરરોપણી કરવી. જમીનને વારાફરતી ભીની અને કોરી રાખી પાણીનું નિયમન જીવ પડવાની અવસ્થા સુધી જાળવવું. કોનોવીડરનો ઉપયોગ કરી બે હાર વચ્ચેનું નીંદામણ દબાવી દેવું. આ પધ્ધતિના ઉપયોગથી ઓછા પાણીએ અને ઓછા ખર્ચે ડાંગરનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. એસ.આર.આઈ. ડાંગરની ખેતી પધ્ધતિનું નિદર્શન, માહિતી તથા સાહિત્ય માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
ડાંગરના પાકમાં પ્રવાહી ખાતરનો કઈ રીતે ઉપયોગ કરવો. ?
અનુભવ પ્રવાહી જૈવિક ખાતર પાકમાં બિયારણને પટ, ધરૂને માવજત,ચાસમાં ઓરીને, ટપક પિયત પધ્ધતિ તથા છોડ ઉપર છંટકાવ માટે વાપરી શકાય છે. ૩ થી ૫ મિ.લિ. પ્રવાહી જૈવિક ખાતર પ્રતિ લિટર ચોખ્ખા પાણીમાં ભેળવીને છોડના પાન ઉપર વહેલી સવારે કે મોડી સાંજે છંટકાવ કરી શકાય છે આ ખાતર મેળવવા તેમજ તેની વધુ વિગત માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી, બાયોફર્ટિલાઈઝર્સ પ્રોજેક્ટ, આકૃયુ, આણંદ- ૩૮૮૧૧૦(ફોન: ૦૨૬૯૨ ૨૨૫૮૧૩ /૨૨૫૮૧૪/ ૨૬૦૨૧૧) ખાતે સંપર્ક સાધવો.
ડાંગરમાં ફૂગના રોગો માટે શું કરવું ?
ડાંગરમાં ફૂગથી થતા રોગોના નિયંત્રણ માટે એક કિ.ગ્રા. બીજદીઠ ૩ ગ્રામ થાયરમ, એમિસાન, કેપ્ટાન પૈકી ગમે તે એક પારાયુક્ત દવાનો પટ આપવો. તથા સુકારા જેવા રોગના નિયંત્રણ માટે ૨૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન અને ૧૨ ગ્રામ પારાયુક્ત (એમીસાન) દવાના મિશ્રણમાં બીજને ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.
ડાંગરમાં સુકારા માટે શું કરવું?
(૧) ડાંગરમાં સુકારાના નિયંત્રણ માટે અગાઉ જણાવ્યા મુજબ બીજ માવજત આપવી. (૨) ઉભા પાકમાં રોગની શરૂઆત થાય કે તરત જ ૨૦ લિટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લીન + ૧૦ ગ્રામ તાંબાયુક્ત દવા(કોપર ઓક્ઝીક્લોરાઈડ) મિશ્ર કરી છંટકાવ કરવો.(૩) નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરો પ્રમાણસર વાપરવા. રોગિષ્ટ પાન/છોડ ઉખાડી બાળીને નાશ કરવો. (૪) રોગવાળા ખેતરનું પાણી બાજુના તંદુરસ્ત ખેતરમાં ન જાય તેની કાળજી રાખવી.
ડાંગરમાં ગલત અંગારિયાનું નિયંત્રણ કઈ રીતે થાય ?
(૧) રોગમુકત બીજની પસંદગી કરવી (૨) નાઇટ્રોજનયુકત ખાતરોનો ભલામણ પ્રમાણે ઉપયોગ કરવો. (૩) મીઠાના ર ટકા દ્વાવણમાં બીજ બોળવાથી ઉપર તરતા હલકા અને રોગિષ્ટ બીજ દૂર કરવા. (૪) ૫૦% ફૂલ આવવાના સમયે કંટી નીકળે ત્યારે મેન્કોઝેબ ૨૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝિમ ૫૦% વે.પા.૧૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫% વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઈસી ૧ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ડાંગરમાં નીંદણ નિયંત્રણ કેવી રીતે કરવું?
રોપાણ ડાંગરમાં અસરકારક નીંદણ નિયંત્રણ માટે ફેરરોપણી બાદ ૩૦ દિવસે એક વખત હાથ નીંદણ કરવું અને શક્ય ન હોય તો ફેરરોપણી બાદ પાંચમા દિવસે બેન્થિઓકોર્બ હેક્ટર દીઠ ૧ કિ.ગ્રા.સક્રિય તત્વ પ્રમાણે આપવું. દવા આપતી વખતે ક્યારીમાં પૂરતું પાણી હોવું આવશ્યક છે તેમજ દવા આપ્યા બાદ ૩ દિવસ પાણી જળવાઈ રહે તે જરૂરી છે.
ડાંગરના પાકમાં જીવાત નિયંત્રણ જણાવો.
ડાંગરના પાકમાં જીવાત નિયંત્રણ માટે સંકલિત જીવાત વ્યવસ્થાપન અપનાવવું જોઈએ. (૧) જીવાત સામે પ્રતિકાર કરી શકે તેવી જાતો જેવી કે, ગુર્જરી નર્મદા, જીઆર-૧૦૨,જીઆર-૧૨ ની પસંદગી વાવણી માટે કરવી. (૨) ફૂદાં વર્ગની જીવાતોને આકર્ષવા માટે પ્રકાશપિંજરનો ઉપયોગ કરવો (૩) ભલામણ મુજબ જ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો. વધુ પડતા નાઈટ્રોજનયુક્ત રાસાયણિક ખાતરો વાપરવા નહિ. (૪) ડાંગરની ક્યારીમાં માફકસરનું જરૂરિયાત મુજબનું પાણી ભરવું. (૫) ડાંગરની ફેરરોપણી શક્ય હોય તો વહેલી જુલાઈના પ્રથમ અઠવાડીયામાં કરવી. (૬) ચૂસિયાનાં ઉપદ્રવ માટે ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ ઝોસ. એલ. ૩ મિ.લિ.૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. (૭) ડાંગરમાં ગાભમારાની ઈયળના નરફૂંદાને આકર્ષવા હેક્ટરદીઠ ૪૦ ફેરોમોન ટ્રેપનો ઉપયોગ કરવો. (૮) ગાભમારાની ઈયળના ઉપદ્વવ સામે હેક્ટરદીઠ ૩૦ કિલો કાર્બોફ્યુરાન ૩જી બે હપ્તે(રોપણી બાદ ૩૦-૩૫ દિવસે અને ત્યારબાદ ૧૫-૨૦ દિવસે) આપવાની ભલામણ છે. (૯) લશ્કરી ઈયળનો ઉપદ્રવ જણાય તો કાર્બારીલ ૧૦ ટકા અથવા ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકીરૂપ દવા (૨૦-૨૫ કિગ્રા./હે.) નો છંટકાવ સાંજના સમયે કરવો. વધુ માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી (ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.ખેડા જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
ડાંગરમાં ચૂસિયાંના નિયંત્રણ માટે શું કરવું?
કાર્બોફ્યુરાન ૩જી (૩૦કિલો/હે.)અથવા કારટાપ હાઈડ્રો ક્લોરાઈડ ૪જી(૨૫કિલો/હે.) બે હપ્તે (પ્રથમ હપ્તો વાવણી પછી ૨૫-૩૦ દિવસે અને બીજો હપ્તો ત્યારબાદ ૧૫-૨૦ દિવસે આપવો. ઈમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ (૩મિલિ/૧૦લિ.પાણી)નો છંટ્કાવ કરવો.
ડાંગરમાં પાનકથીરીનું નિયંત્રણ કેવી રીતે કરવું?
પાનકથીરીના નિયંત્રણ માટે ડાયકોફોલ અથવા પ્રોપરગાઇટ દવા ૧૦ મિ.લિ./૧૦ લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવો.
ડાંગરના પાકમાં કન્ટી ખાલી રહે છે કારણ શું ?
ડાંગરના પાકમાં કન્ટીના ચૂસિયાંનો વધુ ઉપદ્રવ હોય તો કન્ટી ઉપર દાણાને બદલે ડાંગરના ખાલી ખોખાં જ રહે છે. આ જીવાતનો ઉપદ્રવ થતાંની શરૂઆત સાથે ક્લોરપાયરીફોસ ૨૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. ગાભમારાની ઈયળનો ઉપદ્રવ પાકની પાછલી અવસ્થાએ જોવા મળે તો આખી કંટી સફેદ પીંછા જેવી દાણા વગરની જોવા મળે છે.
ડાંગરમાં રોપાણ મશીન અનુકુળ રહેશે. ?
ડાંગરમાં રોપાણ મશીનના નિદર્શન અને વધુ માર્ગદશન માહિતી માટે સંશોધન વૈજ્ઞાનિકશ્રી(ચોખા), મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આકૃયુ, નવાગામ તા.માતર જી.ખેડા,(ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
ડાંગર પછી ઘઉંનો પાક લેવાથી ઉતારો ઓછો આવે છે. ?
ડાંગર અને ઘઉં બન્ને ધાન્યવર્ગના પાક છે જે જમીનનાં ઉપરના સ્તરમાંથી પોષકતત્વો મેળવે છે. પરિણામે ડાંગર પછી ઘઉંનો પાક લેવામાં આવે ત્યારે જો જમીન તૈયાર કરતી વખતે છાણિયું ખાતર આપેલ ન હોય તેમજ ભલામણ કરેલ રાસાયણિક ખાતરો આપેલ ના હોય ત્યારે ઘઉંના પાકમાં ઓછો ઉતાર થવા સંભવ છે.
નબળું પાણી (ખારાસવામા) માં ડાંગરનું ધરૂ કરી શકાય ?
પાણી ખારૂ હોય તો ડાંગરનું ધરૂઉછેર કરવામાં મુશ્કેલી પડે. આ માટે વિશેષ માર્ગદર્શન મેળવવા માટે નવાગામ તા.માતર જી.ખેડા, (ફોન: ૦૨૬૯૪-૨૮૪૨૭૮/૨૮૪૧૩૦) ખાતે સંપર્ક કરવો.
આપણા ગુજરાતમાં ડાંગરના પાકનો વિસ્તાર અને ઉત્પાદનની હાલની સ્થિતિ શું છે?
આપણા રાજયમાં ડાંગરની ખેતી અંદાજે ૬.પ૦ થી ૭.પ૦ લાખ હેકટરમાં કરવામાં આવે છે. જેમાંથી અંદાજે ૧ર લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે. એટલે રાજયની ઉત્પાદકતા હેકટરે ફકત ૧૯૦૦ કિ.ગ્રા. જેટલી થાય છે. દેશમાં પંજાબ રાજય હેકટર દીઠ ૩૮૦૦ કિ.ગ્રા. ઉત્પાદકતા સાથે પ્રથમ નંબરે છે. જે જોતા આપણા રાજયની ડાંગરની ઉત્પાદકતા ઘણી ઓછી હોઈ તે વધારવાની ખાસ જરૂર છે.આપણા રાજયમાં મધ્ય ગુજરાત અને દક્ષિાણ ગુજરાતમાં ડાંગરનું વાવેતર થાય છે તેમાં કુલ વિસ્તાર પૈકી ૪પ થી પ૦ ટકા રોપાણ અને પ૦ થી પપ ટકા ઓરાણ ડાંગર હેઠળ છે. એમાં પિયત વિસ્તાર લગભગ ૪૦% જેટલો છે.
ડાંગરની સુધારેલ જાતો કઈ કઈ છે?
વહેલી પાકતી જાતો
- ઓરાણ : જી.આર.-પ, જી.આર.-૮, જી.આર.-૯, અશોકા ર૦૦ એફ અને એએયુડીઆર-૧, આઈ.આર. ર૮, જેવી વહેલી પાકતી જાતોની પસંદગી કરવી. સુગંધિત જાત જી.આર.૧૦૪ દક્ષિાણ ગુજરાત વિસ્તાર માટે ભલામણ કરવામાં આવે છે. હાલમાં નવી ભલામણ કરેલ પૂર્ણા (ઓછા પાણીવાળા વિસ્તારમાં) જાતની પસંદગી કરવી.
- રોપાણ : જી.આર.-૧, જી.આર.-૪, જી.આર.-૬, આઈ.આર.-ર૮, જી.આર.-૧ર, જી.આર.૩, જી.આર.૧૦, આઈ.આર.૬૬ અને જી.આર.૭ જેવી વહેલી પાકતી જાતોની પસંદગી કરવી.
- મધ્યમ મોડી પાકતી જાતો :- જી.આર.-૧૧, જી.આર.૧૩, જયા, ગુર્જરી, એન.એ.યુ.આર.-૧, આઈ.આર.રર જેવી મધ્યમ મોડી પાકતી જાતો પસંદ કરવી.
- ક્ષારીય જમીન માટે : દાંડી, જી.એન.આર.-ર
- મોડી પાકતી જાતો : મસુરી, જી.આર.-૧૦૧, જી.આર.૧૦ર, જી.આર.૧૦૩, જી.આર.૧૦૪, નર્મદા આ ઉપરાંત એન.એ.યુ. આર.૧, જી.એન.આર.ર, જી.એન.આર.૩, જી.એન.આર.૪(ક્ષારપ્રતિકારક) જાતો પસંદ કરવી.
સંકર ડાંગર એટલે શું?
જનિનિક રીતે ભિન્ન એવા બે અલગ અલગ પિતૃ જાતોના સંકરણથી તૈયાર કરેલ પ્રથમ પેઢીના બિયારણને સંકર ડાંગર કહે છે. સંકર જાતોમાં માતા અને પિતા બંને પિતૃઓના સારા ગુણોનું સંકલન થાય છે. જેથી મહદ અંશે સંકર જાતોના જુસ્સો તથા ઉત્પાદન પિતૃ જાતો કરતાં તથા અન્ય વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો કરતાં વધારે જોવા મળેલ છે.
ડાંગરની ''શ્રી'' પધ્ધતિના અગત્યના મુદ્દાઓ ટુંકમાં જણાવો?
- ધરૂની ઉમર : ૧૦ થી ૧ર દિવસ
- વાવેતર અંતર : રપ સે.મી. × રપ સે.મી.(થાણા દીઠ છોડની સંખ્યા : ફકત ૧)
- બીજનો દર : પ કિ/હે
- ખાતર ૭પ% સેન્દ્રીય સ્વરૂપમાં અને રપ % રસાયણિક સ્વરૂપમાં
- નિદંણ નિયંત્રણ : પેડી વિડર ધ્વારા
- પાણીનું નિયમન : ફકત ભેજ જરૂરી
ડાંગરની 'શ્રી' પધ્ધતિની ખેતી કરવાથી શા ફાયદાઓ છે?
- વધુ ઉત્પાદન (૧પ થી ૩૦%)
- વહેલી કાપણી (૮ થી ૧પ દિવસ)
- બિયારણની બચત (૮૦ %)
- ઓછા પાણીની જરૂરીયાત (૩૦-પ૦ ટકા બચત)
- સારી ગુણવત્તાના ચોખા
- ડાંગર કાપણી સુધી ઢળી પડતી નથી (નોન લોજીગ)
- જમીનની તંદુરસ્તી સુધરે છે
- ઓછા રસાયણોનો ઉપયોગ (ખાતર, નિંદામણ નાશકો, જંતુનાશકો)
ડાંગરની 'સીરા' પધ્ધતિના અગત્યના ચાર સૂત્રો જણાવો.
- ડાંગરના પાકમાનો સિલિકોન અને પોટાશ જેવા તત્વોનો ફેર વપરાશ
- ડાંગરનું પરાળ રોપણી પહેલા જમીનમાં દબાવવું.
- ડાંગરની કૂસકીની રાખ ધરૂવાડિયામાં બી વાવતા પહેલા જમીનમાં ભેળવવી.
- ગ્લીરીસીડીયાના તાજા પાનનો લીલા પડવાશ તરીકે ઉપયોગ કરવો.
- ધરૂની ચોકકસ અંતરે જોડીયા હાર પધ્ધતિથી ફેરરોપણી (૧પ×૧પ-રપ સે.મી. ગેપ-૧પ×૧પ સે.મી.)
- ડીએપી+ યુરીયા (રપ ગ્રામ)ની ગોળીઆેનો રાસાયણિક ખાતર સ્વરૂપે ઉપયોગ કરવો
ડાંગરની 'સીરા' પધ્ધતિની રોપણીના ફાયદા કયાં છે?
- રાસાયણિક ખાતરની કાર્યક્ષામતા વધે છે.
- નાઈટ્રોજન ખાતરનો બચાવ થાય છે.(૪૦ %)
- ખાતર એક જ વખત - પાયામાં આપવું પડે છે.
- પાકની વૃદ્ધિ એક સરખી દેખાય છે.
- પાકનું ઉત્પાદન વધુ મળે છે.
આપણા રાજયનું ડાંગરનું ઉત્પાદન કેમ ઓછું છે?
- ઓરાણ ડાંગરની ઉત્પાદકતા ઘણી નીચી (એક ટન પ્રતિ હેકટર કરતાં ઓછી) અને પિયત વિસ્તાર અંદાજીત પ૦ થી પપ %
- બિન પિયત રોપાણ ડાંગરની ઉત્પાદકતા ઓછી.
- ક્ષારીય જમીનમાં પણ ઉત્પાદકતા ઓછી.
- ડાંગરની સુધારેલી જાતોની પસંદગી અને તેના શુધ્ધ બિયારણનો અભાવ
- બીજનો ઊંચો દર
- બીજ માવજતનો અભાવ
- ધરૂવાડિયાની કાળજીનો અભાવ
- ફેરરોપણી યોગ્ય વ્યવસ્થાનો અભાવ
- પાક સંરક્ષાણના યોગ્ય પગલાનો અભાવ
- યોગ્ય ખાતર તથા પાણી વ્યવસ્થાનો અભાવ
શું સંકર ડાંગરની પેદાશની બજારકિંમત વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતો જેટલી જ હોય છે?
હાલની પરિસ્થિતિ સંકર જાતો અને વધુ ઉત્પાદન આપતી સંશોધિત જાતોની પેદાશની કિંમત સરખી જ છે. છતાં દક્ષિાણ ભારતમાં સંકર ડાંગરની પેદાશની બજાર કિંમત વેપારીઓ ધ્વારા થોડી ઓછી આપવામાં આવે છે, કારણ કે આ પ્રદેશમાં ચોખાની ગુણવત્તામાં મધ્યમ પાતળા દાણાને અગિ્રમતા આપવામાં આવે છે.
ડાંગર બિયારણની પસંદગી કરતી વખતે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ?
ડાંગરનું બિયારણ સુધારેલ જાતનું હોવું જોઈએ. ડાંગરનું બિયારણ શુધ્ધ હોવું જોઈએ. ડાંગરનું બિયારણ પ્રમાણિત હોવું ઈચ્છનીય છે પરંતુ ઘરનું શુધ્ધ અને સંતોષકારક ઉગાવો ધરાવતું બિયારણ પણ વાપરી શકાય. જે તે વિસ્તારની જમીન, આબોહવા, પિયતની સગવડ, વરસાદ, બજાર માંગની પરિસ્થિતિને અનુરૂપ જાતની પસંદવી કરવી જોઈએ.
ડાંગર બિયારણનો દર કેટલો રાખવો જોઈએ?
- પાતળા દાણા વાળી જાતો : રપ થી ૩૦ કિલો/હેકટર
- જાડા દાણા વાળી જાતો : ૩૦ થી ૩પ કિલો/હેકટર
- ''શ્રી'' પધ્ધતિ : પ કિલો/હેકટર
- હાઈબ્રીડ ડાંગર : ૧પ કિલો/હેકટર
- ઓરાણ : પ૦ થી ૬૦ કિલો/હેકટર
શું સંકર જાતોમાં ચાફિનેસનું પ્રમાણ સુધારેલી જાતો કરતા વધુ હોય છે?
સંકર જાતમાં ચાફિનેસનું પ્રમાણ સુધારેલી જાતો કરતા વધુ હોય છે, કારણ કે સંકર ડાંગરમાં પ્રત્યેક કંટી દીઠ દાણાની સરેરાશ સંખ્યા સુધારેલી જાતોની સરખામણીમાં વધારે હોય છે. જેથી પાકની ભલામણ કરતા ઓછી દેખરેખ હેઠળ સંકર જાતમાં ડુંડા દીઠ ખાલી દાણાની સંખ્યા સુધારેલી જાતો કરતા વધારે હેાય છે.
શું સંકર ડાંગરમાં ચાફીનેસનું પ્રમાણ ઘટાડી શકાય ?
હા, સુયોગ્ય વ્યવસ્થાપન, સમયસર અને પુરતા પોષકતત્વો, પિયત તથા ખૂબ ઉંચા કે નીચા તાપમાન દરમ્યાન ડાંગરના ફુલ ન આવે તેની કાળજી રાખવાથી સંકર ડાંગરમાં થોડા ઘણા પ્રમાણમાં ચાફીનેશનું પ્રમાણ ઘટાડી શકાય.
ડાંગર બિયારણને વાવણી પહેલા કઈ દવાની માવજત આપવી જોઈએ?
- બીજ જન્ય રોગો અટકાવવા માટે ૧ કિલો બિયારણને ૩ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા એમીસાન-૬ દવાનો પટ આપવો. સુકારાના રોગ સામે બીજને ર૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકિલન+૧ર ગ્રામ પારાયુકત દવા(એમીસાન-૬) નાં દ્રાવણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવા.
શું સંકર ડાંગરની ઉપજમાંથી તૈયાર થયેલા દાણાને ફરી વખત બિયારણ તરીકે વાપરી શકાય?
ના, સંકર ડાંગરમાં વધુ ઉત્પાદન તથા સંકર જુસ્સો ફકત પ્રથમ પેઢીમાં જ પ્રદર્શિત થાય છે જો સંકર ડાંગરની બીજી પેઢીનું બિયારણ ફરીથી વાવેતરમાં ઉપયોગ કરવામાં આવે તો પાકમાં સેગ્રીકેશનના કારણે ખૂબ જ પ્રમાણમાં વિવિધતા જોવા મળે અને ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર થાય
ડાંગરના છોડ બેસી જાય છે તેનો ઉપાય જણાવો?
વાયરવર્મ (ઓલીગોકીટ)ના ઉપદ્રવના કારણે છુટાછવાયા ધાબામાં છોડ બેસી જાય છે. ઓલીગોકીટનો ઉપદ્રવ જણાય તો કયારીમાંથી પાણી નિતારી કાર્બોફયુરાન ૩ ટકા દાણાદાર દવા ૧૮ કિલો/હેકટર પ્રમાણે જમીનમાં આપવું. દવા આપ્યા બાદ ત્રીજે દિવસે નાઈટ્રોજન યુકત ખાતર આપવું.
તંદુરસ્ત ધરૂ કઈ રીતે ઉછેરી શકાય?
- પિયતની સગવડ અને નિતારની વ્યવસ્થા સારી હોય તેવી સમતલ જમીન પસંદ કરવી.
- ૧ હેકટરની રોપણી માટે ૧૦ મીટર ×૧ મીટરના ૧૦૦ ગાદી કયારા બનાવવા એટલે કે ૧૦ ગુઠા વિસ્તારમાં ધરૂવાડિયું કરવું.
- કયારા દીઠ ર૦ કિલો કહોવાયેલું છાણીયું ખાતર + પ૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસ્ફેટ + રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ અને ૧ કિલો દિવેલીનો ખોળ જમીનમાં ભેળવવો.
- જૂનના પ્રથમ પખવાડીયામાં બીજની વાવણી કરવી યોગ્ય છે.
- દરેક કયારા દીઠ રપ૦ થી ૩૦૦ ગ્રામ બીજની વાવણી કરવી.
- બીજની વાવણી બાદ ર૪ કલાક સુધી ગાદી કયારા ઉપર ર સેન્ટીમીટર પાણી ભરી રાખવું ત્યાર બાદ ધરૂવાડીયામાં ભેજ રહે તે રીતે પાણી આપવું.
- બીજા દિવસે નિંદણ નિયંત્રણ માટે ૧૦ ગુંઠા જમીનમાં ર૦૦ મીલી પિ્રટીલાકલોર અથવા ૧૦૦ થી ૧પ૦ મીલી પેન્ડામીથીલીન પ૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.
- બીજની વાવણી બાદ ૧૦-૧ર દિવસે રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પૂર્તિ ખાતર તરીકે આપવું અને ત્યારબાદ ૮ દિવસે કયારદીઠ રપ૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ આપવું.
- કીટકના નિયંત્રણ માટે કાર્બોફયુરાન ૩ ટકા દવા કયારા દીઠ ૧૦૦ ગ્રામ પ્રમાણે વાવણીના ૧પ દિવસ બાદ આપવી.
- ધરૂવાડિયામાં જરૂર મુજબ પિયત આપવું અને નિંદણ નિયંત્રણ કરવુ.
- આ રીતે ધરૂ રર થી રપ દિવસે રોપવા લાયક થઈ જાય છે.
ડાંગરના પાક માટે ધરૂ ઉછેરવા કેટલો વિસ્તાર હોવો જોઈએ?
કુલ રોપાણ વિસ્તારના ૧/૧૦ મા ભાગ જેટલા વિસ્તારમાં ધરૂવાડિયું બનાવવું જોઈએ.
ઓરાણ અને રોપાણ ડાંગર માટે કેટલું અંતર રાખવું જોઈએ.
- રોપાણ ડાંગર માટે ર૦ સે.મી. × ૧પ સે.મી. અને ઓરાણ ડાંગર માટે બે લાઈન વચ્ચે ૩૦ સે.મી. અંતર રાખવું જોઈએ.
રોપાણ અને ઓરાણ ડાંગરમાં ખાતર કયારે આપવું જોઈએ?
- રોપાણ ડાંગર : ૪૦ % નાઈટ્રોજન અને ૧૦૦ % ફોસ્ફરસ રોપણી સમય , ૪૦% નાઈટ્રોજન ફુટ આવે ત્યારે અને ર૦% નાઈટ્રોજન કંટી બેસે ત્યારે.
- ઓરાણ ડાંગર : ૪૦ % નાઈટ્રોજન અને ૧૦૦ % ફોસ્ફરસ રોપણી સમયે, ૪૦ % નાઈટ્રોજન ફુટ આવે ત્યારે અને ર૦ % નાઈટ્રોજન કંટી બેસે ત્યારે.
ઓરાણ અને રોપાણ ડાંગરમાં ખાતરનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ?
- ઓરાણ ડાંગર : ૭પ કિગ્રા/હેકટર નાઈટ્રોજન, રપ કિગ્રા/હેકટર ફોસ્ફરસ
- રોપાણ ડાંગર : (ક) વહેલી અને મોડી પાકતી જાતો માટે ૧૦૦ કિગ્રા/હેકટર નાઈટ્રોજન અને ૩૦ કિગ્રા/હેકટર ફોસ્ફરસ (ખ) મોડી પાકતી જાતો માટે : ૧ર૦ કિગ્રા/હેકટર નાઈટ્રોજન અને ૩૦ કિગ્રા/હેકટર ફોસ્ફરસ.
ખરીફ ડાંગર પાક માટે ધરૂવાડિયા, રોપણી, વાવણી માટે આદર્શ સમય કયો?
- ૧. ખરીફ રોપાણ ડાંગર : ચોમાસાની શરૂઆત થયે વાવણી કરવી.
- ર. ધરૂવાડિયું નાંખવું : જૂન માસના પ્રથમ પખવાડિયામાં ધરૂવાડિયું કરવું જોઈએ.
- ૩. ફેરરોપણી : જુલાઈનું પ્રથમ પખવાડિયું.
ડાંગરની ફેરરોપણીના મહત્વના મુદ્દાઓ કયા કયા છે?
- ધરૂની ઉમર : રર થી રપ દિવસ(સામાન્ય પધ્ધતિમાં) અને
- ૧૦ થી ૧ર દિવસ ( શ્રી પધ્ધતિમાં)
- સમય: જુલાઈનું પ્રથમ પખવાડિયું
- અંતર: ર૦×૧પ સે.મી. (સામાન્ય પધ્ધતિમા) રપ×રપ સે.મી. (શ્રી પધ્ધતિમાં)
- થાણાદીઠ છોડની સંખ્યા: ર થી ૩ (સામાન્ય રોપણી) અને ફકત એક (શ્રી પધ્ધતિ)
ડાંગરમા ફેરરોપણી બાદ ખાતર પાણી આપવા છતાં પાક બેસી જાય છે અને ઝાંખો પડી જાય છે. પાન પર કાટીયા ડાઘા પડી જાય છે તેનું કારણ અને ઉપાય જણાવો.
આમ થવાનું કારણ જસત તત્વોની ખામી છે. આ માટે જમીનમાં ઝિંક સલ્ફેટ રપ કિ./હે. પ્રમાણે આપવું અથવા ૦.પ% ઝિંક સલ્ફેટ+૦.રપ ટકા ચૂનાનું પાણીનું મિશ્રણ છાંટવુ. ફેરરોપણી કરેલ ડાંગરમાં માણસો ચલાવી જમીન ખોદાવવી. કયારીમાં જૂનું પાણી કાઢી તાજુ પાણી ભરવું.
ડાંગરના પાકમાં કંટી સફેદ કેમ થઈ જાય છે? તેનાથી કઈ રીતે બચી શકાય?
ગાભમારાના ઉપદ્રવને કારણે ડાંગરની કંટી સફેદ થઈ જાય છે. તેનાથી બચવા માટે ધરૂવાડિયામાં ધરૂ નાખ્યાના ૧પ દિવસ બાદ કાર્બોફયુરાન ૩ જી દાણાદાર દવા ૧ ગુંઠે ૧ કિલો તથા રોપણી બાદ ૧પ થી ર૦ દિવસે રપ કિલો/હેકટર આપવાથી ગાભમારાના ઉપદ્રવ સામે રક્ષાણ મળે છે.
ઓરાણ ડાંગરની ખેતીના ખાસ મુદાઓ જણાવો.
- જાતોની પસંદવી: જી.આર.-પ, જી.આર.૮-, જી.આર.-૯, અશોકા ર૦૦ એફ, એએયુડીઆર-૧
- બીજનો દર: પ૦ થી ૬૦ કિ/હે.
- બીજની માવજત : ૧ કિગ્રા દીઠ ૩ ગ્રામ પારાયુકત દવા
- જમીનની તૈયારી : ખુલ્લા, ઢાળવાળા, સપાટ ખેતર, ખેડ ખાતર કરી તૈયાર કરવી. વરસાદ પછી ખેડ કરી સમાર મારવો.
- વાવણી :
- સુકી પધ્ધતિ : ચોમાસું શરૂ થવા પહેલા વાવણી, પાયામાં સુપર ફોસ્ફેટ આપવું.
- ભીની પધ્ધતિ : વરસાદ થયા બાદ વાવણી અને પાયામાં ખાતર આપવુ.
- વાવેતર અંતર : ૩૦ થી ૪પ સે.મી.
- રાસાયણિક ખાતર :પાયામાં ૩૭.પ કિ.ગ્રા. નાઈટ્રોજન અને રપ કિલો ફોસ્ફરસ/હે.
- પૂર્તિ ખાતર :૩૭.પ કિ.ગ્રા. નાઈટ્રોજન (વાવણી બાદ ૩૦ થી ૩પ દિવસે)
- નિંદણ નિયંત્રણ :આંતરખેડ, હાથથી નિંદણ અને વાવણી બાદ ર થી ૩ દિવસમાં પિ્રટીલાકલોર ૧.પ લીટર /હે.
- પાક સંરક્ષાણ: જરૂર મુજબ
- આંતરપાક:તુવેર, મગ, અડદ, સોયાબીન વિગેરે
ડાંગરના પાકમાં બદામી તડતડીયાનું નિયંત્રણ કેવી રીતે કરવું.
બદામી તડતડીયાના નિયંત્રણ માટે રોપણીના ૪૦ દિવસ બાદ વખતો વખત કયારીમાં નિગાહ રાખવી. થૂંમડા દીઠ પાંચ અથવા તેથી વધુ બચ્ચાં જણાય તો મિથાઈલ પેરાથીઓન ર % ભુકી રપ કિ./હે. પ્રમાણે થૂંમડાં ઉપર પડે તે રીતે છાંટવી. પ્રવાહીરૂપ દવામાં ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ %, ૩ મિ.લી. અથવા ફેનોબુકાબ” પ૦ %, ર૦ મિ.લી. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવું.
ફણગાવેલ બીજની વાવેતરની પધ્ધતિ વિશે ટૂંકમાં જણાવો.
- ધરૂ ઉછેર અને ફેરરોપણી ખર્ચને (૩૩%) બચાવવા માટેની આ વૈકલ્પીક પધ્ધતિ છે.
- બીજનો દર પ૦ થી ૬૦ કિલો/હે.
- પધ્ધતિ : બિયારણને ર૪ કલાક પાણીમાં બોળી બહાર કાઢી ૧ર કલાકમાં ભીના કંતાનના કોથળામાં દબાણ હેઠળ રાખવાથી બીજ ફણગાઈ જશે અને ઘાવલ કરેલ કયારીમાં પાણી નિતારી કાઢીને એક સરખું છાંટવુ.
ઉનાળુ ડાંગરમાં કંટી સુકાઈ જાય છે તેનુ કારણ અને ઉપાય જણાવો?
ઉનાળુ ડાંગરમાં કંટીનો દાહ (નેક બ્લાસ્ટ) રોગ ખૂબ જ આવે છે ચોમાસામાં ખાસ કરીને ડાંગ, ધરમપુર અને કપરાડા વિસ્તારમાં પણ આ રોગ આવે છે. તેના નિયંત્રણ માટે કંટી નિકળે ત્યારે એડીફેનફોસ (૧૦ મિ.લી. / ૧૦ લિ અથવા ટ્રાયસાયકલોઝોલ (૧૦ મિ.લી. /૧૦ લિ) અથવા કાર્બેન્ડાઝીમ (પ ગ્રા/૧૦ લિ.) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ ગ્રા/૧૦ લિ)ના દ્રાવણનો છંટકાવ કરવો.
ડાંગરના પાકની સંકલિત ખાતર વ્યવસ્થા કઈ રીતે કરવી જોઈએ?
- જરૂરી પોષકકતત્વો જમીનમાં પૃથ્થકરણના આધારે આપાય તે વધુ ફાયદા કારક છે.
- ફોસ્ફરસ ખાતર દક્ષિાણ ગુજરાત માટે ૩૦ કિલો/હે. અને મધ્ય ગુજરાત માટે રપ કિલો/હે. પાયામાં આપવાની ભલામણ છે.
- નાઈટ્રોજન યુકત ખાતરો ત્રણ હપ્તામાં આપવા.
- નાઈટ્રોજન તત્વ આપવા માટે એમોનીયમ સલ્ફેટ / યુરીયા ખાતરનો ઉપયોગ કરવો.
- યુરિયા ખાતરને ર % લીંબોળીના તેલનો પટ આપવાથી રપ % નાઈટ્રોજનની બચત થાય.
- પૂર્તિ ખાતર આપતી વખતે કયારીમાંથી પાણીનો નિકાલ કરી ખાતર આપવુ અને બે દિવસ પછી પાણી ભરવું અથવા યુરિયાને ભેજવાળી માટી સાથે ભેળવી બે દિવસ છાયામાં રાખી પછી પૂખીને આપવું.
- યુરિયાને ર૦% લીંબોળીના ખોળ લઈ તેની બારીક ભુકકા સાથે યુરિયા ભેળવી બે દિવસ બાદ આપવું.
ડાંગરની કંટીમાં અમુક દાણા ચણા જેવા બની જાય છે તે શું છે? તેનો ઉપાય શું છે?
ગલત આંજીયાનો રોગ ચોમાસું ડાંગરમાં આવે છે તેના નિયંત્રણ માટે કંટી નિકળે ત્યારે મેન્કોઝેબ(રપ ગ્રામ/૧૦ લિ) અથવા કેપ્ટાફોલ (રપ ગ્રા/૧૦ લિ.)નો છંટકાવ કરવો.
ડાંગરનું ધરૂ પીળુ પડે છે ઉપાય જણાવો.
- ધરૂવાડિયામાં પીળીયાની અસર જણાય ત્યારે ઉપરા ઉપરી બે ત્રણ વખત પાણી ભરીને ખાલી કરવાથી ક્ષારો ધોવાઈ જાય છે. લોહતત્વની ઉણપથી થતા ધરૂના પીળીયાના રોગમાં જમીનમાં સેન્દ્રીય પદાર્થનો ઉપયોગ કરી જમીનની ભેજ સંગ્રહ શકિત વધારવી અને ૪૦ ગ્રામ ફેરસ સલ્ફર + ર૦ ગ્રામ ચુનાનું મિશ્રણ ૧૦ લીટર ભેળવી છંટકાવ કરવો. વધુમાં જમીનમાં રપ કિ./હે. પ્રમાણે ફેરસ સલ્ફેટ આપવું.
ડાંગરના પાકમાં ગાભમારાનું નિયંત્રણ કેવી રીતે કરવું.
પાકની કાપણી પછી તુરત જ ખેડ કરી જડીયાં એકત્ર કરી નાશ કરવો તથા શેઢા પાળા સાફ રાખી યજમાન છોડનો નાશ કરવો. ડાંગરની ગુર્જરી, નર્મદા, આઈ.આર.-રર, જી.આર.૧૦ર, જેવી જાતો ચૂસિયા તથા ગાભમારા સામે મહદઅંશે પ્રતિકારક શકિત ધરાવે છે તેમાંથી જાતની પસંદગી કરવી. ધરૂવાડીયામાં કાર્બોફયુરાન ૩%ની અથવા કારટેપ હાઈડ્રોકલોરાઈડ ૪ જી, ૧ કિ.ગ્રા/૧૦૦ ચો.મી. પ્રમાણે ધરૂ નાંખ્યા બાદ પ દિવસે અને ધરૂ ને રોપતા પહેલા ટોચ કાપી નાંખવી, ધરૂવાડિયામાં કયારીમાં વારંવાર ગાભમારાની તેમજ જૂથી ઈયળના ઈંડાના સમુહને ભેગા કરી નાશ કરવો. ગાભમારાથી નુકશાન પામેલા 'ડેડહાર્ટ' ભેગાં કરી નાશ કરવો.
ડાંગરમાં લશ્કરી ઈયળનો ઉપદ્રવ થાય તો શું કરવુ?
મિથાઈલ પેરાથીઓન પાવડર રપ કિલો પ્રતિ હેકટર આપવાથી નિયંત્રણ કરી શકાય છે.
ડાંગરમાં આવતા કરમોડી રોગને અટકાવવાના ઉપાયો જણાવો.?
૧.ધરૂ નાંખતા પહેલા બીજ ને એક કિલો દીઠ ૩ ગ્રામ એમીસાન-૬ અથવા થાયરમ અથવા કેપ્ટાન ફુગ નાશન દવાનો પટ આપો.
ર. ધરૂ નાખ્યા બાદ રોગ દેખાય તો ટ્રાયસાયકલોઝોલ ૭પ% ઈસી ૬ મિલી દવા અથવા કાબેન્ડેઝીમ પ૦ વે.પા. ૧૦ ગ્રામ દવા અથવા એડીફેનફોસ પ૦ ઈસી ૧૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
૩. જીવ પડવા કે ગાભ ડોળા સમયે અને કંટી નીકળવાના સમયે રોગ આવે તો ઉપર દર્શાવેલ કોઈપણ એક દવાનો છંટકવા કરવો.
૪. રોગ પ્રતિકારક જાતો જેવી કે આઈ.આર. ર૮, જી.આર.-૭, જી.આર.૧૦૧, જી.આર.૧૦ર, જી.આર.૬ વાવેતર કરવું.
પ. કરમોડીના જૈવિક નિયંત્રણ માટે સુડોમોનાસ(પ મિલી/૧૦ લી.)નો છંટકાવ કરવો.
ડાંગર પાકમાં પાક સંરક્ષાણની કાળજી કઈ રીતે લેવી જોઈએ?
- ડાંગરમાં મુખ્યત્વે કીટકોમાં ગાભમારો, પાનવાળનારી ઈંયળ, ચુસીયા અને રોગોમાં સૂકારો, કરમોડી, ભુખરાદાણા, ગલત આંજીયો જોવા મળે છે એના નિયંત્રણના પગલા નીચે છે.
- રોગ જીવાત સામે ટકકર ઝીલે તેવી જાતોનું વાવેતર
- બીજ માવજત અને તંદુરસ્ત ધરૂ ઉછેર
- સમયસરની રોપણી
- -કયારીમાં પાણી વધુ પ્રમાણમાં નહીં રાખવું.
- નાઈટ્રોજન ખાતર મર્યાદિત પ્રમાણમાં આપવું.
- ભલામણ કરેલ દવાનો યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં છંટકાવ કરવો.
- રોગ/જીવાતના નમૂના વિષય નિષ્ણાંતને બતાવી યોગ્ય પગલા લેવા.
ડાંગરમાં આવતા પાનના સુકારો/ઝાળના નિયંત્રણના પગલા બતાવશો?
૧. બીજને ધરૂ નાંખતા પહેલા ર૪ લિટર પાણીમાં ૬.૦ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકલીન + ૧ર ગ્રામ પારાયુકત દવા (એમિસાન-૬)ના મિશ્રણમાં ૮ થી ૧૦ કલાક બોળીને છાંયડે સુકવ્યા બાદ વાપરવું.
ર. ઝાળનો રોગ દેખાય તો તાત્કાલિક રોગિષ્ટ છોડને ઉખેડી નાશ કરવો. નાઈટ્રોજન ખાતરનો ઉપયોગ બંધ કરવો અને ૦.પ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકલીન + પ ગ્રામ કોપર ઓકિસકલોરાઈડ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧ર દિવસના અંતરે બે છંટકાવ કરવા.
૩. પાકમાં ભલામણ કરતા વધારે ખાતરનો ઉપયોગ કરવો નહી.
૪. રોગ પ્રતિકારક જાતો જેવી કે આઈ.આર.-રર, આઈ.આર.-ર૮, મસુરી, ગુર્જરી, નર્મદા વાવેતર કરવુ.
ડાંગર પાકમાં ચુસિયાના નિયંત્રણ માટે શું કરવું?
ડાંગરમાં લીલા, ભુખરા અને સફેદ પીઠવાળા ચુસીયા જોવા મળે છે. તે છોડના થડમાંથી રસ ચુસે છે. જેથી છોડ બળી ગયો હોય તેવું લાગે છે તેના નિયંત્રણ માટે ઉપદ્રવની શરૂઆત થાય કે તુરંત જ ઈમિડાકલોપિ્રડ દવા ૧૦ લિટર પાણીમાં ૩ મીલી દવા થડ પર પડે તે રીતે છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મળે છે.
ડાંગરમાં આવતો તાંબીયા રોગ અટકાવવાના ઉપાય જણાવો.
ઝીંક તત્વની ઉણપથી થતા રોગમાં જે વિસ્તારમાં રોગ દર વર્ષે આવતો હોય ત્યાં ઘાવલ કરતી વખતે હેકટરે રપ થી ૩૦ કિલો ઝીંક સલ્ફેટ આપવું. રોપણી પહેલા ઝીંક સલ્ફેટ આપી શકાયું ન હોય તો ઉભા પાકમાં ઝીંક સલ્ફેટ પ૦ ગ્રામ + રપ ગ્રામ ચુનાનું મિશ્રણ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા હેકટરે રપ કિલો ઝીંક સલ્ફેટ રોપણી બાદ ૬૦ દિવસ સુધીમાં પૂંખીને આપવું.
ડાંગરના પાકમાં દાણાના ચુસિયાનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય.
સામાન્ય રીતે શોષ્ાક પ્રકારની દવાઓ જેવી કે, ડાયમિથોએટ(૧૦ લી. પાણીમાં ૧૦ મી.લી), ઈમિડાકલોપિ્રડ દવા(૧૦ લીટર પાણીમાં ૩ મી.લી.) પ્રમાણે છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય.
ડાંગરમાં પાન પર રાખોડી ત્રાકીયાં ટપકા પડે છે અને પાન સુકાઈ જાય છે તે કયો રોગ છે? તેનુ નિયંત્રણ જણાવો.
ડાંગરના પાન પર ચોમાસામાં ત્રાકીયા ટપકાં પડે છે અને પાન સુકાઈ જાય છે તેને દાહ રોગ (લીફ બ્લાસ્ટ) કહેવામાં આવે છે તેના નિયંત્રણ માટે કંટી નિકળે ત્યારે એડીફેનફોસ (૧૦ મિ.લી./૧૦ લિ.) અથવા ટ્રાયસાયકલોઝોલ (૧૦ મિ.લી. / ૧૦ લિ.) અથવા કાર્બેન્ડાઝીમ(પ ગ્રામ /૧૦ લિ.) અથવા થાયોફેનેટ મિથાઈલ (૧૦ ગ્રામ/૧૦ લિ.) ના દ્રાવણનો છંટકાવ કરવો
ડાંગરમાં કયા જૈવિક ખાતરો ઉપયોગી છે ? તેને કઈ રીતે અને કયારે આપવામાં આવે છે?
ડાંગરમાં એઝોસ્પીરીલમ, એઝોટોબેકટર અને અઝોલા નાઈટ્રોજન માટે, જયારે પીએસબી ફોસ્ફરસ માટે આપી શકાય. આ ખાતરોના પ્રવાહી દ્રાવણમાં કે માટીમાં રગડો બનાવી (ર થી ૩ કિ.ગ્રા/હે)ધરૂના મૂળ બોળીને વાપરી શકાય અથવા જમીનમાં પણ આપી શકાય.
ડાંગર પાકમાં પાણીની વ્યવસ્થા કઈ રીતે કરવી જોઈએ.?
પાણી વગર પાક સુકાય નહી તે ધ્યાનમાં રાખવું સામાન્ય રીતે ડાંગરની પાણીની જરૂરત વધારે રહે છે પરંતુ તેમ છતા માફકસરનું પાણી કયારીમાં ભરવામાં આવે તો પાણીની બચત કરી ડાંગર પાક લઈ શકાય છે.
ડાંગર પાકમાં નિંદણ નિયંત્રણ કઈ રીતે કરી શકાય?
ડાંગરના પાકને રોપણી બાદ ૧પ થી ૪પ દિવસ સુધી નિંદણ મુકત રાખવો ફેરરોપણી બાદ ૧પ દિવસે આંતરખેડ કરવી અને ર થી ૩ નિંદણ કરવા અને મજૂરોની અછત હોય તો નિંદણનાશક દવાનો ઉપયોગ કરી શકાય આ માટે પિ્રટીલાકલોર અથવા બેનથીયોકાર્બ ૧.રપ૦ થી ૧.પ૦૦ લીટર/હે. અથવા પેન્ડીમેથાલીન ૧.૦ કિલો/હે. સકિ્રય તત્વ પ૦૦ ગ્રામ પાણીમાં ઓગાળી છાંટવું અથવા કયારીમાંથી પાણી નિતારી લીધા બાદ ૧૦૦ કિલો રેતી સાથે દવાને ભેળવી કયારીમાં વ્યવસ્થિત પૂંખવું, કયારીમાં પાણીનું યોગ્ય પ્રમાણ જાળવવાથી નિંદણ ઓછું થાય છે.
ડાંગરની કાપણી કરવામાં શું કાળજી રાખવી જોઈએ?
પાક પીળો પડે અને દાણા પરિપકવ થાય ત્યારે કાપણી કરવી ડાંગરના પાકમાં કાપણીનો સમય ખાસ સાચવવો, કાપણીનો સમય જાળવવામાં ડાંગરના દાણા ખરી પડવાનો અને ચોખામાં કણકીનું પ્રમાણ ઘટે છે. સામાન્ય રીતે ડાંગરના પાકમાંથી કંટી નીકળ્યા બાદ ૩૦ દિવસે ડાંગરનો પાક લણવાને લાયક બને છે, જેથી આ સમયે ડાંગરની સમયસર કાપણી કરવાથી ચોખાનુ પ્રમાણ વધુ મળે છે.
0 Comments:
Post a Comment