Monday, 15 February 2021

ઉનાળુ ભીંડા ના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ---Integrated pest control in summer oats Today News




 ગુજરાત રાજ્યમાં શાકભાજીના પાકોમાં ભીંડા ની ખેતી મોટા પ્રમાણમાં ચોમાસુ અને ઉનાળુ ઋતુમાં થાય છે. ઉનાળુ ઋતુ દરમ્યાન ભીંડાનો સારો ભાવ મળી રહેતો હોય ભીંડાની ખેતીનો વિસ્તાર વધતો જોવા મળેલ છે. ભીંડાના ઓછા ઉત્પાદન માટે જવાબદાર પરિબળોમાં તેમાં નુકશાન કરતી જીવાતો એક અગત્યનું પરિબળ ગણાય છે જેને કારણે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવું પડે છે. ભીંડામાં નુકશાન કરતી જીવાતોમાં ચૂસીયાં પ્રકારની જીવાતો તેમજ ડુંખ અને ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે.

તડતડિયા

પુખ્ય (તડતડિયા) શંકુ આકારના આછા લીલા કે પીળાશ પડતા રંગના અને ત્રાંસા ચાલવાની ટેવવાળા હોય છે. બચ્ચાં અને પુખ્ય એમ બંને છોડના કુમળા પાનનમાં સૂંઢ ખોસીને રસ ચૂકી નુકશાન કરે છે પરિણામે પાન પીળા પડીને ઉપરની તરફ કોકડાઈ જાય છે. વધુ ઉપદ્રવ હોય તોપાન સુકાઈને ખરી પડે છે.

સફેદ માખી

આ જીવાત સફેદ પાંખવાળી અને પીળા રંગનું ઉદર પ્રદેશ ધરાવે છે. જ્યારે બચ્ચાં ચપટા, અંડાકાર અને ભીંગડા જેવા હોય છે. બચ્ચાં અને પુષ બંને પાનની નીચેની સપાટીએ રહી પાનમાંથી રસ ચૂસે છે જેને પરિણામે પાન પર પીળાશ પડતા ડાઘા પડે છે. વધારે ઉપદ્રવ હોય તો પાન પીળુ પડી જાય છે. બચ્ચા ચીકણાં મધ જેવા પદાર્થનો સ્ત્રાવ કરે છે જે પાનની સપાટી અને ફૂલોને ઢાંકી દે છે જેથી છોડના વિકાસમાં અવરોધ ઊભો થાય છે. વધુમાં આ જીવાત પીળી નસના રોગના વાહક તરીકે કામ કરે છે.

પાનક્થીરી

આ જીવાતના પુખ્ત લાલ રંગના હેોય છે જ્યારે બચ્ચા નારંગી રંગના હોય છે. બચ્ચાં અને પુખ્ત બનેં પાનની નીચેની સપાટીએ પોતાના શરીરમાંથી નીકળતા રેશમના તાતણાંની બારીક જાળી બનાવી અંદર રહી પાનમાંથી રસ ચૂસીને નુકશાન કરે છે જેને કારણે પાન પર સફેદ પીળાશ પડતા રંગના ધાબા પડે છે. વધુ ઉપદ્રવ હોય તો બધા જ પાન પીળા પડી બદામી રંગના થઈ આખરે ખરી પડે છે.

ડુંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

આ જીવાતની ઈયળ મેલા સફેદ રંગની, કાળા માથાવાળી અને શરીર ઉપર કાળા અને બદામી રંગના ટપકાંવાળી હોય છે આથી તે “કાબરી ઇયળ” તરીકે પણ ઓળખાય છે. ઇયળ પાકની શરૂઆતમાં ભીંડાની કૂમળી ડુંખો અને કળીઓ કોરી ખાય છે જેથી ડુંખો ચીમળાઈ જઈ લબડી પડે છે. ભીંડા ઉપર શિંગો બેસતા ઇયળ શિંગમાં કાંણુ પાડી અંદર પેસી ગર્ભ કોરી ખાય છે જેને લીધે ઘણીવાર શિંગો વાંકી વળી ગયેલી જોવા મળે છે તથા વેચવાને લાયક રહેતી નથી.

સંકલિત નિયંત્રણ વ્યવ્સ્થા

  • જીવાતો સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે ગુજરાત ભીંડા-૨, પરભણી ક્રાંતિ જેવી જાતોની પસંદગી કરવી.
  • ભીંડાના બીજને વાવતા પહેલા એક કિલો બીજ દીઠ ૫ ગ્રામ ઈમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ અથવા ૫ ગ્રામ થાયોમીથોકઝામ દવાનો પટ આપવાથી ચૂસિયાં પ્રકારની જીવાતો જેવી કે તડતડીયા, મોલો, થ્રિપ્સ, સફેદમાખી અને પાનકથીરીનું શરૂઆતના એક માસ સુધી નિયંત્રણ થાય છે.
  • ભીંડાની ચીમળાઈ ગયેલી ડુંખો ઈયળ સહિત તોડી જમીનમાં દાટી નાશ કરવો તેમજ ભીંડાની વીણી દર બીજા કે ત્રીજા દિવસે કરવાથી કાબરી ઈયળનું નુકશાન ઘટાડી શકાય છે.
  • ભીંડાના પાકમાં કાબરી ઈયળના ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ અથવા ૬૦ પ્રમાણે ગોઠવવા અને લ્યુર દર ૨૧ દિવસે બદલવી.
  • વનસ્પતિજન્ય જંતુનાશકો જેવા કે લીંબોળીના મીજનો અર્ક ૫ ટકા અથવા લીંબોળીનું તેલ ૦.૫ ટકા અથવા એઝાડીરેકટીન આધારીત જંતુનાશક દવા ૪૦ મિ.લિ/૧૦ લિટર પાણીમાં ૧૫ દિવસના અંતરે ૪ છટકાવ કરવાથી આ જીવાતોનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.
  • કાબરી ઇયળના નિયંત્રણ માટે બીટીકે પાઉડર હેકટરે ૧ કિલો પ્રમાણમાં બે છટકાવ, પ્રથમ છંટકાવ ભીંડાના ફળમાં જીવાતના નુકશાનની શરૂઆત થાય ત્યારે અને બીજો છટકાવ ત્યારબાદ ૧૫ દિવસે કરવો.
  • ભીંડાના પાકમાં ચૂસિયાં પ્રકારની જીવાતો તેમજ ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળના અસરકાક નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટીન ૦.૦૨૫ ટકા (૧૦ મિલી/૧૦ લિટર પાણીમા) પ્રથમ છંટકાવ વાવણી બાદ ૨૦ દિવસે અને ત્યારબાદ  ૪૦ ગ્રામ કાર્બરીલ ૧૦ લીટર પાણીમાં ભેળવી તેના ત્રણ છંટકાવ વાવેતર બાદ અનુક્રમે ૩૦,૪પ અને ૬૦ દિવસે કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાય છે.
  • જો કાબરી ઈયળનો ઉપદ્રવ વધુ હોય તો સ્પાર્ક ૧૦ મિલી અથવા ઇન્ડોકઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • સફેદમાખીનો ઉપદ્રવ વધુ હોયતો એસીટામીપ્રીડ ૧૦ ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો તેવીજ રીતે તડતડીયાનો ઉપદ્રવ વધુ હોય તો થાયેમીથોકઝામ પ થી ૭ ગ્રામ અથવા મિથાઈલ-ઓ-ઓન્ડીમેટોએન ૧૦ મિ.લી. દવાઅ ૧૦ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.
  • જો પાનકથીરીનો ઉપદ્રવ વધુ હોય તો ફ્રેનાઝાકવીન ૧૦ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન, ૭ મિ.લિ. અથવા ડાયકોફોલ ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં જણાવેલ માત્રામાં ભેળવીને છંટકાવ કરવો.

0 Comments:

Post a Comment